1.6 - પૂર – ૬ / રાજેન્દ્ર પટેલ
સપનાનું પૂર સારું
ધસમસતાં પાણીયે લાગે નહીં બિહામણાં
પણ આ તો જાગતાં – જાગતાં
ચાલતું ઊંઘનું પૂર.
આ પૂરમાં મળે નહીં પાણીનુંય ટીપું.
છતાં ડૂબાડતું હોય છે નગરનાં નગર.
આ કેવી કઠણાઈ પૂરની
જે તણાતાં તણાતાંય કરે વાત
સપનાંને બચાવવાની.
જાણભેદુઓ કહે છે
આ તો જાણકારીનું પૂર છે.
બહારથી જુઓ લાગે કામધેનું
અંદર છે હળાહળ ઝેર.
આ તો ઝેરનું પૂર છે
જાત અભડાવી નીકળ્યું છે.
ગલીગલી, થઈ
દરેકના આંગણેઆંગણે
સાદ મારે છે રાત દિવસ
જગાડવા માથે છે જાગેલાઓને.
આ પૂર સર્જે છે પૂર્વજોને
મરજીવાઓ જે પીવે છે ઝેર જાણવા છતાં.
એ જાણે છે
પૂર જ છે પૂરનું મારણ.
0 comments
Leave comment