1.7 - પૂર – ૭ / રાજેન્દ્ર પટેલ


જળને ક્યાં ખબર હતી એ
બનશે એક દહાડો બિચારું એ પૂર.
ને અંધારી રાતે
એક બાળક લંબાવશે પગનો અંગૂઠો
જળના પાડશે એ બે ભાગ.
ભાગ પડ્યા પછી એકરૂપ થતું નથી જળ પાછું.
ધસમસતાં ભીનાશનાં પૂર ભેળવે જળને જળમાં.
રચાતાં નથી ફરીફરીને આવાં પૂર.
ચડ્યાં છે પૂર પાર વગરનાં પણ તૂટતા નથી કોઈ કાંઠા.
પૂરને થાય પોતે કેમ થોભતું નથી ?

યુગો થયાં ટોપલીમાં મૂકી બાળ કોઈ કેમ નીકળતું નથી ?
બધાં વહે છે પૂરની આરપાર
પણ રહ્યાં પથ્થરની જેમ ઊભાં
સમજણાં થયાં છે ત્યારથી.

ચોતરફ પાર વગરનાં પૂર
ક્યું ખાળું, ક્યું ટાળું ?
પહેલું તે આ જાતનું જરઠ અંધારું
બીજું એ આસપાસનું વહેતું અંધારું.
ત્રીજું તો ચાલુ આવતું, ચાલી જતું
આદિથી અંત સુધી સળગતું અંધારું.
જાણ્યા પછી બચ્યાં છીએ આ પૂરથી.
માણ્યા પછી મહેક્યું છે પૂર,
તણાયાં પછી તાણ્યું છે પૂર.
પણ, ખાળવાના અનહદ આયામોએ વધાર્યું છે
પાર વગરનું પૂર.
પૂછવાથી પૂરું થતું નથી.
ભાંડવાથી ભાગી જતું નથી.
એક દિવસ આવેલું પૂર આગળ વધતું નથી તસુયે
ત્યારે
પાટુ મારવાથી ખસતું નથી આ પૂર
પગ પછાડવાથી જતું નથી આ પૂર
પણ પૂરના પોત પાથરે છે ભીતરે અજવાળાં
પળેપળના ઊંચકે છે પડદા.
બસ ચાલ્યાં જવું પૂર પેલે પાર
જળની વચ્ચે જળ થઈ જઈને
વહી જવું પેલે પાર કોઈ બાળકને સથવારે.


0 comments


Leave comment