1.8 - પૂર – ૮ / રાજેન્દ્ર પટેલ


જે અનુભવે પૂરને
એ ઊગરતાં હોય છે પૂરમાંથી
જે ઉગારે જીવના જોખમે
દરેક વસ્તુને
દરેક વનને
દરેક જણને
ત્યારે સમજાય
પૂર તો છે ભાઈ
શ્રી પુરાંત જણસનું
મબલક ઉધારનું પાસું
આમ જુઓ તો મીડાં જ મીડાં
ના જુઓ તો લાગે અઢળક એકડા.
પણ પૂર તો રહે છે પૂર
આપણે બચવું હોય તો આ પૂરથી
સર્જવું પડે એક જ પૂર.
ક્યારેક વહેવું પડે પાણી થઈ.
ક્યારેક ઝરણું થઈ
ક્યારેક અમૃત થઈ
ક્યારેક સુકાવું પડે
રણની જેમ જ.
નજર સામે જ હોય યુદ્ધ
રણમેદાન બની સહેવા પડે
દરેક ઘા.
પૂર તો છે ગાંડાભાઈ
રૂપ છે અંધારાનું,
પૂર ગાંડોતૂર ઘોડો
આપણે જ ઘોડો
આપણે જ અસવાર.
પૂર જ ઉગારે છે પૂરને.

આ ઊધઈના પૂરમાં
ઊભાં ઊભાં તણાઈ જવાય તણાયા વગર
સહેજ સળવળો ખબર પડે
ઊધઈએ ઊધઈએ લખેલું છે આપણું જ નામ
આપણે જ આપણો રાફડો
આપણે આપણા ખવાણનું પૂર.
અચાનક ખબર પડે ખવાણની ને
અંદરનો ધ્રાસ્કો ભરી દે પોલાણ.
ત્યારે સમજાય છે
આ પૂર છે પૂર
ધ્રાસ્કાનો તરાપો કેટલુંક ચાલે ?
એક કાંઠે કાંટા
ઊતરવું તો ક્યાં ઊતરવું ?
જે ઈચ્છે પૂર પાર કરવા
એને જ પૂર પહોંચાડે ત્રીજા કાંઠે.


0 comments


Leave comment