1.9 - પૂર – ૯ / રાજેન્દ્ર પટેલ


અડી જાય સ્હેજ પગનો અંગૂઠો એનો
બેઠો છે જન્મોજન્મથી
માથા પર
ખભા પર
જીવ પર
પલાંઠીવાળી ચેનથી.
હા, અડકી જાય સ્હેજ એનો અંગૂઠો
આ પાર વગરનાં પૂરને
ને મળી જાય માર્ગ પળવારમાં.
ઊભું રહી જાય પૂર
ને પહોંચી જવાય પેલે પાર.
પૂર પછડાતું કૂટાતું જે ભાગે
બધા પડછાયા ભેગું કરતુંક
અડી જાય સ્હેજ અંગૂઠો આપણો આપણને
બસ એક જ પગલું
ને સઘળું પૂર ગાયબ.


0 comments


Leave comment