1 - કેસૂડો / હરિશ્ચંદ્ર ભટ્ટ


ઓ કેસુડા !
ઓ નંદના કુંવર ! યૌવનમુગ્ધ લાલ,
શો ખીલતો નવ વસંતની દીપ્તિ ધારી,
ઉન્માદ શો જગવતો જનચિત્ત માહીં !
ઓ મસ્ત ! તેં વ્રજ મહીં ગ્રહી રાધિકાને?
શું તેંજ કામણ કરી વ્રજનારીઓને
રાસે રમાડી રસ-સાગરમાં ડુબાડી?
રે મેંય અમૃત પીને તુજ રૂપનાં એ
હૈયાની ભૂખ શમવી હતી કૈંક વેળ.
ઓ લાલ લાલ ! ગિરિધારી લલા, ઓ લાલ !

* કાલીદાસે દેવદાર વિષે કહેવડાવ્યું છે : अमुं पुर: पश्यति देवदारुं पुत्रीकृतो ड सौ वृषभध्वजेन ! એ પ્રમાણે કેસુડાને નંદકુંવર કહ્યો છે. આ કાવ્યમાં આરાધના અભિપ્રેત નથી.


0 comments


Leave comment