2 - એનો કૈં રસ્તો તું ચીંધ... / અનિલ વાળા
વાંસળીનાં સૂર શ્યામ દલડામાં પાડે રે વીંધ,
એનો કૈં રસ્તો તું ચીંધ....
વૈદ્યો તેડાવ્યા તો વૈદ્યોએ કીધું કે,
આ તો સાવ જુદો છે તાવ;
બાઈજીને પૂછ્યું તો બાઈજીએ કીધું :
“વહુ, મોરપીંછાથી પંપાળો ઘાવ !”
રાત આખી સપનામાં થયા કરે ભજમન ગોવિંદ....
એનો કૈં રસ્તો તું ચીંધ.....
મારું નસીબ ક્યાં એવું કે
થઈ જાઉં દ્વારિકાની શેરીની ધૂળ;
એકેય કદંબ મારે આંગણે નથી
એટલે કે હું ય છું કેવું ગોકુળ ?
યમુના બનીને મને પજવે છે પાણીનાં બુંદ....
એનો કૈં રસ્તો તું ચીંધ....
0 comments
Leave comment