3 - મારો મણિયારો વાલમ.... / અનિલ વાળા


મારો મણિયારો વાલમ થઈ આવશે ટહુકા મઢેલી એક ચૂડલી !

ભલેને હોઉં સાવ અટૂલી ને એકલી
‘એ આવશે તો સ્મિત મારાં ખીલશે;
આવશે તો અવસરિયાં થાશે હેતાળ
નેણ બારસાખે તોરણ થઈ ઝૂલશે....

સોળ રે ચોમાસાંનાં પાણી ભરેલી એક પગમાં પહેરાવશે એ માછલી.

કોરી સળંગતાને મૂંઝારે બેઠી છે
મારી લથબથ હયાતીની વેલડી;
વનવન ફરીશું સાથે એવી રીતે કે
જાણે ફરતી હો સારસની બેલડી...

અભરે ભરાશે મારાં હાથની હથેળી ને અભરે ભરાશે આંખ છાજલી.

અડશે મને તો હું શિરીષનાં ફૂલ
જેવું હળવે હળવે રે ખરીશ;
છતરાયું ચૂમીને વળગી પડીશ
પછી મૂળમાંથી એંઠો કરીશ...

ભૂલ્યા વગર એ લેતો રે આવશે સૂરથી ભરેલી એક માટલી...


0 comments


Leave comment