4 - મારો સાયબો... / અનિલ વાળા


દરવાજા જેમ જ ઉઘાડે મારો સાયબો....
પાધરીક પ્રેમમાં પાડે મારો સાયબો !

મારાંમાં આમ એ તો પગલું માંડે
     ને પછી ડગલું માંડે
ને રસ્તો હું હોઉં એમ દોડે રે લોલ...
સામ્મેથી આમ ઘડી આઘી જો થાઉં
     ઘડી પાછી જો થાઉં
તો તો સીધું એ મુખડું મરોડે રે લોલ...

વાંસળીની જેમ જ વગાડે મારો સાયબો...
પાધરીક પ્રેમમાં પાડે મારો સાયબો !

મારાંમાં આમ એ તો ખુરશી ઢાળે
     ને પછી છાપું વાંચે
ને પછી ભીતરથી આખી ઝંઝોડે રે લોલ...
ધીમેથી આમ એ તો મૂછો મરડે
     ને પછી કાંડું પકડે
ને પછી બાટલીની જેમ મને ફોડે રે લોલ...

મને ભલી-ભોળીને બગાડે મારો સાયબો...
પાધરીક પ્રેમમાં પાડે મારો સાયબો !


0 comments


Leave comment