6 - આટલો ઉતાવળો શું થાય છે ? / અનિલ વાળા
માળો મ વીંખ્ય મારા સાયબા,
ચકલીએ અમથું બસ ચીંચીં કર્યું એમાં આટલો ઉતાવળો શું થાય છે ?
ધસવાનું, ખસવાનું, મૂછોમાં હસવાનું
ગણીને ગાંઠે બંધાય નહીં...
લીમડા કે બાવળનાં રેલાતાં ગુંદરથી
લાગણીની ભાષા સંધાય નહીં...
પીંછા મ પીંખ્ય મારા સાયબા,
ચકલીએ અમથું બસ ચીં ચીં કર્યું એમાં આટલો ઉતાવળો શું થાય છે ?
ધોબીએ ધોધમાર કમખો ધોકાવ્યો
ત્યારે કેમ કશું બોલ્યો નૈ વાલમાં ?
ને આવડો તે આકારો શું થાય ?
ખાલી ઝાકળ જો સંઘર્યું રૂમાલમાં !
ખાલીપો આમ નહીં ઝીંક્ય મારા સાયબા,
ચકલીએ અમથું બસ ચીં ચીં કર્યું એમાં આટલો ઉતાવળો શું થાય છે ?
0 comments
Leave comment