62 - કાવ્ય – ૧૮ / હરિશ્ચંદ્ર ભટ્ટ


માર્યા ઘરે પાછી ફરી, અને એ
સહસા ઊભી દ્વાર મહીં જ થંભી.
ઉન્માદ આંખે, હતું ક્રુદ્ધ મ્હોં, એ
ક્રોધે મુઠ્ઠી વાળતી ઈશ શાપે.

ખોલે નહિ કોમલતાથી અંગુલિ
બીડાયલી જોરથી મુઠ્ઠી જેની.
દળાયલું શોકશિલાથી હૈયું,
થયો હતો એ ભગવન્તનો જય.


0 comments


Leave comment