7 - વ્હાલપનો એવો દુકાળ / અનિલ વાળા
આંખો વરસી ને તોય જળ ન ખુટ્યાં રે, સખી !
વ્હાલપનો એવો દુકાળ....
દીવાને અજવાળે આંસુ પંપાળું
તો મોટીથી પણ લાગે કઠ્ઠણ;
એનાં એક નામની હૈયાને કેમ સખી
લાગ્યા કરે છે રોજ રટ્ટણ ?
સાજણ વિનાનાં બધાં દરપણ બુઠ્ઠાં રે, સખી !
વ્હાલપનો એવો દુકાળ...
રાત પડ્યે કાગડાઓ ઓશીકું થાય
અને જેનાં પર ઊમટે તળાવ;
નીંદર આવે તો પછી એવું કહેવાય :
“હવે સાજણ તું સપનામાં આવ !”
અણધાર્યું મળવાનાં વાયદા જુઠ્ઠા રે, સખી !
વ્હાલપનો એવો દુકાળ...
0 comments
Leave comment