9 - રે, બાઈજી ! / અનિલ વાળા


સુક્કા કમાડ અને સુક્કી રે બારસાખ
મનમાં ઘૂમે છે કોઈ સાપણ રે, બાઈજી !
રાંડ્યા પછીનું આ તો ડા’પણ રે, બાઈજી !

કૂંચી ગોતીને કાંઈ ખોલ્યો પટારો
મેલી જૂનાં ઝાકળની એક પોટલી જી રે !
ઠીબમાં તે આલજો પાણી રે, બાઈજી
રાખની તે દેજો કાંઈ રોટલી જી રે !

શિયાવિયા તે મારી લાકડાંની ભારી
ને પાણકાની થઈ ગઈ છે પાંપણ રે, બાઈજી !
રાંડ્યા પછીનું આ તો ડા’પણ રે, બાઈજી !

રસકસ બધોય મારો મરનારો સાયબો,
હું તો ચૂસાયેલી ગોટલી જી રે... !
ઘરનાં ખૂણામાં એક સૂની તે ખાટલી
ને રે’વાને કાજ એક ઓટલી જી રે !

પિયરીએ કે’જો કે મેલું ઘેલું તે લોલ
સસ્તું જોઈ મોકલે ખાંપણ રે, બાઈજી !
રાંડ્યા પછીનું આ જો ડા’પણ રે, બાઈજી !


0 comments


Leave comment