6 - ફક્ત પથ્થર હોય છે / અશોક ચાવડા 'બેદિલ'


હા, કમાણી ઉમ્રભરની ફક્ત પથ્થર હોય છે;
બાંધણી સૌની કબરની ફક્ત પથ્થર હોય છે.

કંકુથાપો સ્હેજ ભૂંસાતાં રુએ છે એ ઘણું,
આમ છો દીવાલ ઘરની ફક્ત પથ્થર હોય છે.

કાચ જેવા આ હૃદયને તું કહે હું ક્યાં મૂકું?
ચીજ સૌ તારા નગરની ફક્ત પથ્થર હોય છે.

સાવ સૂની આંખમાં પડઘા પડે છે યાદના,
યાદ જ્યારે હમસફરની ફક્ત પથ્થર હોય છે.

માથું પટકે તોય 'બેદિલ' પ્રાર્થના નિષ્ફળ જશે,
મૂર્તિઓ શ્રદ્ધા વગરની ફક્ત પથ્થર હોય છે!


0 comments


Leave comment