13 - શિવ નિજ રૂપના / હરિશ્ચંદ્ર ભટ્ટ


(૧)
શિવ નિજ રૂપના એ અર્ધનારી સ્વરૂપે
પ્રણયસખી ઉમામાં જેમ એકત્વ પામે
ઉભયરત થઈએ; આવ કલ્યાણિ ! તેમ
જીવન રસની પ્યાલી એકી સાથે પીવાને.

(૨)
કરતલ લઇ તારો હીંચકે હીંચકું, ને
અલકલટ વિખેરી ખીજવું યે તને હું.
પ્રણયસખી, ઉમાશી આપ તું હાથ તારો,
ઉભય કર ગ્રહીને પન્થ પૂરો કરીએ.

સંઘરી ઉર-ઓથારે, માધુરી કૈં દિનો તણી,
સ્મિતોની, સંસ્મૃતિની ને મેઘગાઢા વિષાદની.


0 comments


Leave comment