13 - આત્મબળ / ગની દહીંવાલા


આત્મબળ જીવન-સફરમાં જ્યારે રક્ષક હોય છે,
માર્ગસૂચક યાતના, સંકટ સહાયક હોય છે.

લઈ જનારી લક્ષ્ય પર શ્રદ્ધા જ બેશક હોય છે,
માત્ર આશંકા, પથિકના પગમાં કંટક હોય છે.

જ્યારથી અંતરની ભાષા વાંચતા શીખ્યો છું હું,
જેનું પુસ્તક હોઉં છું, મારું કથાનક હોય છે.

જીવવા ખાતર જગે જે જિંદગી જીવી ગયો,
એની જીવન-વારતાનું મોત શીર્ષક હોય છે.

કાર્યના આરંભ જેવો અંત પણ રંગીન હો,
જે રીતે સંધ્યા-ઉષાના રંગ મોહક હોય છે.

તું એ વર્ષા છે કે એકએક જે વરસી પડે,
મુજ તૃષા એવી, જે બારે માસ ચાતક હોય છે.

આમજનતાનાં હૃદયમાં જઈને લાવે પ્રેરણા,
* હે ‘ગની !’ એવા કવિનું કાવ્ય પ્રેરક હોય છે.

(* સ્વ.મેઘાણી આ મુશાયરામાં પ્રમુખ હતા એમના પ્રતિ ઈશારો છે.)


0 comments


Leave comment