43 - પ્રથમા નારી – (૩) / હરિશ્ચંદ્ર ભટ્ટ


આવો વિશ્વે એક એવી વસન્ત,
ભુલાયે ના વિશ્વના અંત સુધી.
પ્રથમા નારી, આવ આજે નિમંત્રું,
સાથે બંને હાથમાં હાથ લૈને,
તું હું બંને જીવીએ એક ગાથા.
થૈને મારી પ્રેયસી આવજે તું.
અગ્નિએ જે સર્જનોની જગાડી
ભૂખો, તેને સિદ્ધિવંતી થવાને.

શિવ નિજ રૂપના જે અર્ધનારી-સ્વરૂપે,
પ્રણયસખી ઉમામાં જેમ એકત્વ પામે,
ઉભય રત થઈએ, એમ કલ્યાણિ ! ત્યારે,
જીવનરસની પ્યાલી એકસાથે પીવાને.

નયનથી ગ્રહજે અયિ મોહિની !
પણ તું અન્ય પ્રલોભન – પાશ લે,
પુરૂષ હું લજવું નહીં પૌરુષ,
થઉં કઠોર કદી, સહજે પ્રિયે !


0 comments


Leave comment