22 - વ્હાણું વાઈ ગયું / ગની દહીંવાલા


ચમકંત સિતારા ડૂબી ગયા, નભમંડળ પણ વિખરાઈ ગયું,
ઓ આશ, હવે એ ના આવે, પોઢી જા વ્હાણું વાઈ ગયું.

એ પ્રેમ-વિજય કે હાર ગણો, મજધાર ગણો કે પાર ગણો,
જે દુઃખ જગે કહેવાતું’તું, હસતાં હસતાં સહેવાઈ ગયું.

શું જોઈ રહ્યો છું આજ અરે ! એ આવી રહ્યાં મુજ આંગણિયે !
નિ:શ્વાસમાં છે તાસીર ખરે ! ગંગાનું વહન બદલાઈ ગયું.

એ દર્શ-સમયની ધન્ય ઘડી, જાણે કે અચાનક વીજ પડી,
છે યાદ હજી બે આંખલડી, બાકી સઘળું વીસરાઈ ગયું.

આ પ્રેમ-જીવનના પડછાયા, તે રૂપના દર્પણના ઓળા,
લો સાંજ-સવારોનું કારણ સમજાઈ ગયું ! સમજાઈ ગયું !

છો આપ ફરી બેઠાં મુજથી, એમાં ય વિધિનો ભેદ હશે !
બરબાદ થતું જીવન આજે, ફુરસદની પળે જોવાઈ ગયું.

સાકી ને સુરા, ગુલ ને બુલબુલ, છે પ્રેમની એ તો પરિભાષા,
તેઓને ‘ગની’, જે કહેવું’તું, મોઘમમાં બધું કહેવાઈ ગયું.


0 comments


Leave comment