1.2 - વિરામ 2 : ઘરડાં વડીલો ને માબાપ સંવત 1811 / મારી હકીકત / કવિ નર્મદ


   મારા પ્રપિતામહ-બાપના દાદા નારાયણ દવે એણે વેદ ચોખ્ખો ભણીને પંચકાવ્યથી વ્યુત્પત્તિ સારી કરી લીધી હતી. એ મંત્રશાસ્ત્ર ભણ્યા હતા ને શ્રૌતકર્મ સારી પેઠે જાણતા. એણે અગ્નિહોત્ર લીધું હતું. દિનમણિશંકર શાસ્ત્રી આદિ લઈ ન્યાતના ઘરડાઓ હજીએ કહે છે ને માહારા બાપ પણ કેહેતા કે નારણ દવેની પાસે સિદ્ધિ સરખું કંઈ હતું. એક વખત પોતાના છોકરાનાં લગનની ન્યાત (આસરે 300 માણસ) જમાડાયા એટલું પકવાન કીધું હતું. પકવાનના ઓરડામાં ઘીનો દીવો પડદામાં અખંડ રાખ્યો હતો ને પોતે તેમાંથી પકવાન આણી પીરસનારને આપતા. ઘરનાંને કહ્યું હતું કે તમે કોઈ દીવો જોશો નહીં; ને એ પ્રમાણે એક દાહાડાની ન્યાતની સામગરીમાંથી ત્રણ ન્યાત જમી. પછે સરવે વિસ્મય પામ્યા. પણ પછી કેટલાએક જણે તેની સ્ત્રીને ઉસકેરીને એની પાસ તાળું ઉઘડાવ્યું; માંહ્ય જઈને બાઈએ જોયું એટલે દીવો ગુલ થયો ને પછી કોઈએ કંઈ દીઠું નહીં.

   એ નારણ દવે પોતાનો આવ્યો ગયો ખરચ યજમાનની સાહ્યતાથી કાહાડતા.
   એને ત્રણ છોકરા – પુરૂષોત્તમ, વિશ્વોત્તમ અને નરોત્તમ. વિશ્વોત્તમ પરણ્યા હતા, પણ તેને સંતાન થયાં નહોતાં. નરોત્તમને બે સંતાન થયાં – એક છોકરો કીકાભાઈ અને છોકરી શિવગવરી, પણ એ બે મરી ગયેથી નરોત્તમનો વંશ પણ પરવાર્યો છે. હવે મ્હોટા જે પુરૂષોત્તમ, – મ્હારા બાપના બાપ તેને વિષે નીચે પ્રમાણે : –

   મારા પિતામહ-બાપના બાપ પુરૂષોત્તમ દવે દશગ્રંથપાઠી હતા. દશ ગ્રંથ એટલે સંહિતા આખી, પદ, ક્રમ, છ અંગ (શિક્ષા સૂત્ર, અષ્ટાધ્યાયી, નિરૂક્ત, છંદ ને જ્યોતિષ) અને બ્રાહ્મણ. ત્રણ વૃત્તિ કૌમુદી અને પંચકાવ્ય ભણ્યા હતા તેથી એને ભાષાવ્યુત્પત્તિ ઘણી જ સારી હતી. એણે કોઈ અમુક શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો, તો પણ એ, ભાગવતાદિ પુરાણો યથાર્થ યથાસ્થિત વાંચતા. પિંગળશાસ્ત્ર સારી પેઠે સમજતા, પણ કંઈ કવિતા કરતા નહીં. એને પિંગળની સમજ હતી તે આટલા પરથી માલમ પડે છે કે છંદ સંબંધી જે અંગ તેનો પાઠ તો એને હતો જ ને સંસ્કૃત ભણેલા એટલે તે સમજતા, અને વળી ભદ્રશંકર દીક્ષત જે સંસ્કૃત પિંગળશાસ્ત્રમાં એક્કો કહેવાતા તે એના પરમ સ્નેહી હતા. એના બાળબોધ અક્ષર ઘણા સારા હતા – એના હાથનાં લખેલાં પુસ્તકો ઘણે ઠેકાણે હજીએ વંચાય છે.

   એ પોતાનો ગુજારો વેદિયા એટલે કર્મકાંડ કરાવી, લેખક એટલે લોકોનાં પુસ્તકો લખી અને પુરાણો વાંચી કરતા. વળી ત્રણ હજારની કિમ્મતનાં ઘરો હતાં, તેનું ભાડું પણ રૂપિયા સોએક વરસ દહાડે આવતું, એમ સહુ મળીને રૂપિયા ત્રણસેંએકની વરસ દહાડે એને પેદાશ હતી.

   એની સ્ત્રી ગૌરીવહુને (પિયરનું નામ ધનકુંવેર) અઘરણીનો જેશંકર નામનો એક છોકરો અવતર્યો હતો, પણ તે પાંચ વરસનો થઈને મરી ગયો હતો. એને ત્યાર પછી ઘણે વરસે ત્રણ છોકરા થયા, તેમાં પેહેલો ઇચ્છાશંકર, બીજા વેણીશંકર અને ત્રીજા મ્હારા બાપ. ઇચ્છાશંકર સંવત 1856માં જન્મીને 1910ના ભાદરવા વદ પાંચેમે અને વેણીશંકર 1859માં જન્મીને 1892માં ગુજરી ગયા છે. વેણીશંકર સંબંધી હું કંઈ જ જાણતો નથી, પણ એટલું સાંભળું છઊં કે એ બે વાર પરણ્યા હતા ને એને કંઈ સંતાન થયું નથી. ઇચ્છાશંકર કાકા સ્વભાવે ધીરા અને માયાળુ હતા, અને દુનિયાદારીમાં ઘર નાતનો વહેવાર સારી રીતે જાણતા. એણે ઉગ્વેદ-સંહિતા આખી ભણી હતી. પણ સરકારમાં ટળાટાંની નોકરી કરી પોતાનો સંસાર ચલાવતા – એને હાલ વિધવા સ્ત્રી બે છોકરા ને એક છોકરી છે.

   પોતાના ત્રણ છોકરાનાં જનોઈ દેવાને વાસ્તે પુરૂષોત્તમ દવેએ મુંબઈ, ભાવનગર અને વડોદરૂં એ ત્રણ ઠેકાણે વેદનાં પારાયણ કર્યાં હતાં. તથા પુરાણો વાંચ્યાં હતાં ને એ રીતે રૂપિયા હજારેક એને મળ્યા હતા, એનો સ્વભાવ એવો હતો કે કાર્ય પડે ત્યારે જ દ્રવ્યને માટે દેશાંતર કરવું, બાકી તેને રાત્ર દિવસ કુટુંબમાં બેસી વેદ ભણ્યાં કરવાનો અને પુસ્તકો લખ્યાં કરવાનો ચાલ હતો; (બે કલાકમાં 75 શ્લોક સારે અક્ષરે લખતા). ઘરમાં સુમાર વનાનાં પુસ્તકો હતાં તે બધાં મ્હોટી આગમાં બળી ગયાં છે.

   પોતાના ત્રણ છોકરાને પરણાવતાં રૂપિયા છ હજાર જોઈતા હતા, તે પોતાની સાળીની છોકરીના છોકરા અમરીતરામ ઉરફે ભાણજાભાઈ જે શ્રીમંત હતા તેની પાસથી પોતે કરજે લીધા હતા.

   પુરૂષોત્તમ, ગૌરવર્ણ દડીઘાટના અને તેજસ્વી હતા; ઘરમાં ઘરેણાંગાંઠાં તો થોડાં જ, પણ અન્નનો સંગ્રહ પુષ્કળ રહેતો હતો. છોકરાંઓને ભણાવવા પછવાડે ઘણો જ શ્રમ લેતા. શાંત સ્વભાવ, કુટુંબ ઉપર પ્રીતિ, સંતોષ અને ગરીબ છતે ઘણો ટેક એવા એ હતા. એનો ટેક એવો હતો કે કોઈ વેદપુરાણ સારૂં આમંત્રણ કરતું તો જ જતાં, બાકી કોઈની ખુશામત કરતા નહીં. એના ટેકનો એક દાખલો એવો છે કે એક વખત એ બાલાજીનાં દરશણ કરીને શ્રીમંત ત્રવાડીને સ્હેજ મળવા ગયા હતા ત્યાં કોઈએ ત્રવાડી પાસે એની મશ્કરી કરાવી કે કેમ દવેજી ન્હોતરૂં બોતરૂં પકવવાને આવ્યાછ કે? ત્યારે દવેજીએ જવાબ દીધો કે હા, મહારાજ, ને પછી તે કોઈ દહાડો ઘેર તો શું પણ બાલાજીના દરશણ કરવાને પણ ગયા નહીં. ત્રવાડીને ઘેર ઘણાં ઘણાં કર્મકાંડ થતાં ને તે દવેજીને બોલાવતા પણ દવેજી જતાં નહીં. એને પાર્થિવપૂજનનો નિયમ હતો.

   એ પુરૂષોત્તમ દવેએ સંવત 1884ના કારતક વદ 6ઠે 62 વરસની ઉંમરે દેહ છોડી.
   એની સ્ત્રી મારી પિતામહી – બાપની મા ધનકુંવર અથવા ગૌરીવહુ વિષે ઝાઝું જાણ્યામાં નથી – એટલું જ કે એના બાપ ગણપત દીક્ષત હરીવસી દેસાઈના બાપ સગરામવસીના આશ્રિત હતા જેથી તે પોતાનાં બ્હેનભાણજાંને વખતે વખતે મદદ કરતા. એ વડીઆઈ, વડવા પછી 4-5 વરસે 55 વરસની ઉંમરે સંવત 1888 ના સાલમાં ગુજરી ગયાં. એઓની પ્રકૃતિ સંતોષી, શાંત અને હેતાળ હતી.

   મારા માતામહ – માના બાપ ઓચ્છવરામ બ્રાહ્મણની વૃત્તિ રાખતા. એનું ગોત્ર બૈજવાપસ હતું. એ સંવત 1883-84માં સાઠેક વરસની ઉંમરે ગત થયાં છે. એ ગાઈ જાણતા. એના ભાઈ દુલ્લભરામ જે મારી માને અને મને મુંબઈ લઈ જતા અને તાંથી લાવતા તેને હમારી દાજ બહુ હતી, આહા! એની સાથે જાહે હું બાળપણમાં ઓટલે બેસતો તારે તેની ઘડપણની ચામડી જોઈને અને તેની વાતો સાંભળીને મને કેવો આનંદ થતો!

   મારી માતામાહી – માની મા ઇચ્છાલખમી ઘણી ગરીબ અને હેતાળ હતી.
   મારા પિતા લાલશંકર સંવત 1864ના પોષ સુદ 9 મે જન્મ્યા હતા. એ બાળપણમાં શરીરે ગેટકી જેવા, ગોરા, ચપળ છતે શાંત અને ડાહ્યા હતા. પાંચ વરસે એને ઉપવીત સંસ્કાર થયો. પછી વિદ્યાભ્યાસ કરવા માંડયો તે 17 વરસ સુધી – દરમીઆનમાં એ બે આઠા ઉગ્વેદ સંહિતા, ત્રણ વૃત્તિ સારસ્વત, ચાર સર્ગ રઘુવંશના, એક સર્ગ કુમારસંભવનો અને સ્ત્રીપ્રત્યય સુધી કૌમુદી એટલું શિખ્યા ને પોતાના બાપ જે લહીયાનું કામ કરતા તે પ્રમાણે એ પણ લખતાં શિખ્યા ને 18 વરસની ઉંમરે ચકલે બેસી લોકનાં ટીપણાં લખતા, ઓગણસીમે વરસે સંવત 1883ના મહાસુદ 5 મે પરણ્યા પછી તરત જ વૈશાખ મહિનામાં એને મુંબઈમાં નોકરી થઈ. – આવી રીતે કે સરકારની તરફથી કપતાન (પછવાડેથી કરનલ) જેરવીસનાં ઉપરીપણાં નીચે નિશાળોને વાસ્તે ગ્રન્થો છપાવવાનું કામ ચાલતું હતું – તે વખત હમણાંની પઠે ટૈપનું કામ ન્હોતું ચાલતું પણ શીલા છાપાથી ગ્રન્થ છપાતા – એને સારૂ સારા અક્ષર લખનારા જોઈતા હતા દક્ષણી લહિયાઓ તો હતા જ, પણ ગુજરાતી ભાષા સમજીને લખે એવા તે ન્હોતા, માટે જેરવીસે સુરતની અદાલતના જડજ મિસ્તર જોન્સને લખ્યું હતું કે સુરતમાં કોઈ સારા લહિયા હોય તો તેને અહિ મોકલવા. એ ઉપરથી અદાલતમાં જોન્સે લહિયાઓની પરીક્ષા લીધી હતી. એ પરીક્ષામાં લાલશંકરને પણ એની મસીઆણ બેનના છોકરા ભાણજાભાઈએ (જેને હમારા કુટુંબની દાઝ હતી ને જેણે ઘણા ઉપકાર કર્યા હતા તેણે) ઉસકેરીને મોકલ્યા હતા. અસલના લહિયાઓના અક્ષર જાડા ને લાલશંકરની કલમ અસલથી જ સાફ ને પાતળી તેથી દશ ઉમેદવારોમાં એ પસાર થયા ને પછી જોન્સે તીસને પગારે મુંબઈ જવાનું કહ્યું. મારા દાદા તો ખાટલાવશ હતા. પણ મારા દાદીએ મારા બાપને મુંબઈ જવાની ના કહી. ભાણજાભાઈયે મ્હેણું માર્યું કે તમો ત્રંણે ભાઈનાં જનોઈ લગન વગેરેના ખરચના રૂપિયા 6000) મેં તમને કરજે આપ્યા છે તે પાછા કહારે અદા કરશો? માટે નોકરીને સારૂ આનાકાની ન કરો. એ બોલવું લાલશંકરને વ્હાડી નાંખ્યા સરખું લાગ્યું ને પછી તરત જ નિકળ્યા. મુંબઈમાં એક વરસ સુધી 30 ના પગારે ને બીજાં બે વરસ સુધી 45 ને પગારે નોકરી કીધી. પછી એ કારખાનું સરકારે પુને લઈ જવાનું ઠેરવ્યું. જેરવીસે લાલશંકરને 60ને પગારે પુને આવવાનું કહ્યું, પણ માએ ના લખી તેથી તે પુને ન ગયા. જેરવીસે ઘણું સારૂં સરટિફિકેટ અને રૂ. 135) ઈનામ આપ્યું. સરટિફિકેટમાં તે લખે છે કે `લાલશંકર ગુજરાતી ને બાળબોધ અક્ષર ઘણા જ સુંદર લખે છે.’

   પછી લાલશંકર ત્રણ વરસ સુધી સુરતમાં રહ્યા. અહીં ભાંય મેં હાલ ખરીદ કીધીછ ને જાહાં અસલ ભાણજાભાઈનું ઘર હતું ત્હાં તે સવારથી તે સાંજ સુધી બે કલ્લાક ભોજનવિશ્રાંતિનો સમય કહાડી ત્રણ રૂપિયે હજાર એ લેખે નિત 1 રૂપિયાનું નિયમપુર:સર કામ કરતા.

   સરકારે પુનેથી છાપખાનું કહાડી નાખ્યું ત્યારે અધુરાં રહેલાં પુસ્તકો મુંબઈમાં લોકોનો છાપખાનામાં છપાવવાને મોકલ્યાં – એ પ્રસંગે એને તેડું આવ્યું. લાલશંકર પાછા મુંબઈ ગયા ને બે વરસ સુધી 30 ને પગારે રહ્યા.

   એવામાં મુંબઈની સદર અદાલતમાં રૂ. 15 ની કારકુનની જગા નિકળી તેને માટે લાલશંકરે અરજી કરી અને પછી સને 1835ના જાનેવારીની 7મી તારીખથી ત્યાંહાં રહ્યા. પછી 20-25 નો પગાર થયો ને 22મી અકટોબર 1857 થી 30 નો થયો.

   ઘડપણ ને નબળાઈને લીધે કામ કરવાને અશક્ત થયાને લીધે સને 1863ની 7 મી ફેબરવારીથી લાલશંકરે મહિને રૂ. 10નું પેનશન લીધું, પેનશન લીધા પછી તે સપટેમ્બરમાં સુરત આવી રહ્યા. અહીં નબલાઈ વધી ખાટલે પડયાં. – સનેપાત થયો અને અંતે ચાર દહાડા અવાચક રહીને સંવત 1920ના પોષ સુદ 10 મે – સને 1864 ની 18 મી જાનેવારીએ 56 વરસની ઉંમર પુરીને બીજે દહાડે મુક્ત થયા.

   ઉદ્યોગમાં લાલશંકર જેવો કોઈ ગુજરાતી તો મારા જોવામાં આવ્યો નથી. એ ચાર વાગતે નિત ઉઠતા. ઉઠીને લોકોના છાપખાનાનું લખવા બેસતા તે નવ વાગતા સુધી – એ દરમિયાનમાં મારી મા રસોઈ તૈયાર કરતી તે જમીને બરાબર દશ વાગતે ઉતાવળી ચાલથી 1|| મૈલ ચાલી અદાલત જતા. આફીસમાં 6 વાગતા સુધી કામ કરતા. ત્યાંથી ઘેર આવતાં રસ્તામાંથી ઘરને સારુ સોદો ખરીદ કરતા. ઘેર આવી 8|| વાગતા સુધી છાપનું લખતા, પછી જમતા, પછી કલ્લાકેક ફુરસદમાં ગાળી પાછા લખવા બેસતા તે 11-12 વાગા લગી. જો કે છાપનું લખવાનું સાવચેતી ને ધીરજનું છે તોપણ પોતે મળવા આવે તેની સાથે અને મારી મા તથા મારી સાથે વાતો કરતાં જતાં સામું લખાણ સમજીને ઝડપથી લખ્યા જતા. બાળબોધ અક્ષરનાં મોટાં 4 પૃષ્ઠનો એક રૂપિયો અને ગુજરાતી 6 પૃષ્ઠનો એક રૂપિયો એ લેખે લખતા. અરે એના હાથના લખેલાં પુસ્તકો ઘણાં જ છે. એના જેટલું કોઈ લહિયાએ લખ્યું નહીં હોય. મુંબઈમાં ત્રણ ચાર શીલાછાપખાનામાં જેટલી ગુજરાતી ચોપડીઓ જેટલી વાર છપાઈ છે તેમાંની ઘણીએક એના જ હાથની છે. જેરવીસના છાપખાનામાંથી નિકળેલાં એના બાળબોધ અક્ષરવાળાં પુસ્તકો બહુ જ છે – એ સિવાયે બીજી ઘણી પોથીયો-ભાગવત, ચંડીપાઠ, આદિ લઈ જે છપાઈ જ નથી.

   શિક્ષામાળા પુસ્તક 2 જામાં ત્રિકોણમિતિનો વિષય જે ઝીણે બાળબોધ અક્ષરે છે તે એનો પહેલો લખેલો. એના સહુથી સરસમાં સરસ બાળબોધ અક્ષરવાળાં પુસ્તકો ગુજરાતી વિદ્યા ઉદ્દેશ લાભ ને સંતોષ અને મરેઠી ડમાર્ગનનું બીજગણિત છે. ગુજરાતી અક્ષરવાળાં પુસ્તકોમાં ભૂગોળવિદ્યા (ઝીણા અક્ષરની), પહેલી છપાયલી શંસાર ચોપડી અને મંડળી મળવાથી થતા લાભનો નિબંધ. પિંગળ પ્રવેશ પહેલી આવૃત્તિ ને રસપ્રવેશ પણ એના જ લખેલા છે. મેં એના બાળબોધ અક્ષરનો સરસમાં સરસ નમૂનો રાખવાને સુનેરી કાગળ ઉપર ચંડીપાઠ લખાવ્યો હતો જે તેણે મોટી ધીરજથી ને સફાઈથી મોટે અક્ષરે લખ્યો હતો – પણ એ પોથી ડાક્ટર ભાઉદાજીની નજરે પડેથી એણે પોતાની લાઈબ્રેરીમાં રાખવાની ઇચ્છા દેખાડીને લઈ લીધી – હું ઘણો જ દીલગીર છઊં કે તે તેની પાસે પણ ન રહી – પુઠું કરાવવાને ડાક્ટરે બહાર કહાડી હતી એવામાં કોઈ ચોરી ગયું. લાલશંકર કહેતા કે, `હમારા જેરવીસના ખાતામાં એક દક્ષણી લહીયો હતો તેના જેવો તો મુંબઈ પ્રેસિડેન્સીમાં ન્હોતો ને તેના પછી તો હું એક રહ્યો છઉં, પણ હવે અવસ્થાથી અક્ષર ક્તરી ગયા છે.’

   એટલા ઉદ્યમની સાથે ઘર ચલાવવાની કાળજી રાખતા. મારી માએ બે વરસ ખાટલો ભોગવ્યો તેની ખટપટ કરતા. એ જારે સુરત રહેતા તારે છાપખાનાવાળાના આગ્રહથી સુરતથી કાપી લખી પોસ્ટમાં મોકલતા. લખ લખ લખ એ જ એનો ઉદ્યોગ.

   એટલો ઉદ્યમ જોઈને લોકને એવું લાગશે કે તે લોભી હતા, પણ નહીં. ઘરમાં કુટુંબને સારી હાલતમાં રાખવાને માટે, પરોણા દોસ્તોની ખાતર કરવા માટે અને ન્યાતમાં ઉજળા કહેવાતા હતા તે તેવા હંમેશ કહેવાઈયે એટલા માટે અને અંદર તો પોલું હતું માટે એને ઉદ્યમ કરવો પડતો – તેમાં વળી ડાહ્યો દીકરો દેશાવર ભોગવે તે પ્રમાણે છાપખાનાવાળા એના જ અક્ષર પસંદ કરતા તેથી તેઓ એને જે મ્હેનત આપતા – બાપુ હરશેઠ દેવલેકરે તો ખરી જ ભક્તિ દેખાડી – કે એના મુવા પછી કોઈ ગુજરાતી પુસ્તક બીજાની પાસે લખાવી છપાવ્યું નથી.

   સદર અદાલતમાં રહ્યા છતાં એણે વકીલ મુનસફની પરીક્ષા ન આપી તેનું કારણ એ કે તે તરતના લાભને વધારે જોતા, અને વકીલ થઈ ખુશામતને તથા મુનસફ થઈ ઉપરીના ઠપકા સાંભળવાને ઇચ્છતા નહીં. તેઓ કહેતા કે `લોકો સરકારી કામદારોને માન આપે છે પણ તેઓને ટોપીવાળાઓના કેટલા ઠપકા સાંભળવા પડેછ ને તેઓને કેટલી અંદરખાનેની ખુશામતથી નિભવું પડેછ તે હમે જ જાણીયેછ.’ `ઇશ્વરે મારાં કાંડાંમાં જોર મુક્યુંછ એટલે મારે નચિંતથી રળવાનું છે; મોટા કામમાં હાથ ઘાલવાથી કેટલીક નીતિને આઘે મુકવી પડેછ.’

   એક વખત વિદ્યારામ શિરસ્તેદારે લાલશંકરને કહ્યું કે, `મારૂં એક પુસ્તક લખવું છે તે ઘેર આવીને લખો.’ મારા બાપે જવાબ દીધો કે `ઘેર આવીને તો નહીં લખું, મારે ઘેર લખું.’ એ અને બીજે પ્રસંગે સ્પષ્ટ ભાષણ કરેલું તેથી તે શિરસ્તેદાર મનમાં નારાજ હતો ને ઊંચે પગારે વધવા દેતો નહીં. પણ જુનો, પુક્ત ને હોશિયાર કારકુન પડયો એટલે તેને કહાડી મુકાવાયો નહીં.

   લાલશંકર સહુને જ સારી સલાહ આપતા – શાંત રીતે તડ ને ભડ જવાબ દેતા – તેમ વ્હેવારમાં પણ ઘણા ચોખા રહેતા, પોતાના ઘરખરચનો હિસાબ લેતા – રૂપિયો પેટી ઉપર મુકાવી કાપી [copy નકલ] આપતા – દુનિયાદારી સમજતા.

   જેરવીસનાં ખાતાંમાં હતા તારે ઘેર બીજાઓનું લખતા નહીં; પણ ચાકરી કરી આવ્યા પછી પોતાના મિત્ર રણછોડદાસ ગિરધરભાઈ, ખીમજી ભટ અને કેટલાક દક્ષણીઓ સાથે બેસી આનંદ કરી બહાર જતા – ગાયન હરિકથા વગેરે સાંભલતા; તેમ સુરતમાં ત્રણ વરસ રહ્યા ત્યારે પણ રાતે કામ કરતા નહીં; દોસ્તદારોમાં મ્હાલતા – પણ સવારથી તે સાંજ સુધી કોઈને મળતા નહીં – ન્યાતમાં જમવા પણ જતા નહીં. એવા નિયમસર કામ કરનારા હતા. પણ જી દહાડેથી સદર અદાલતમાં 15ને પગારે રહ્યા ત્યારથી ઘણી જ મ્હેનત કરવા માંડી. સને 1860 થી મેં એમને લખવાની ના કહી, ને એઓએ પણ લખવાનું બંધ રાખ્યું.

   એ સંસ્કૃત સમજતા; કંઈ કંઈ બોલી પણ જાણતા. દક્ષણીઓના સહવાસથી મરેઠી પણ બોલી લખી જાણતા – નિશાળ સંબંધી ઘણાં ખરાં પુસ્તકો પોતે લખેલાં એટલે તે સંબંધી પણ થોડું ઘણું જાણતા ને ગુજરાતીમાં તો નિપુણ હોય તેમાં નવાઈ જ શી? અહા એની કાગળ લખવાની રીતથી તો અવધિ. જેમ અંગ્રેજોમાં પોપ, બૈરન ને કાઉપરના કાગળો વખણાય છે તેવા જ એના કાગળો હતા – અફસોસ તે મેં ફાડી નાંખ્યા છે! એના કાગળોની ભાષા કેવી સરળ ને શુદ્ધ! ને મતલબ દુનિયાદારીની શિખામણ આપતી ને સંસ્કૃત શ્લોકથી ભરેલી! હું ખરેખર કહુંછ કે મારાથી તેના જેવા કાગળો કોઈ કાળે લખવાના નથી. એના મારી મા ઉપર ને મારી માના એના ઉપર લખાયલા ત્રણ ચાર કાગળો મારા વાંચવામાં આવેલા. તેની ખુબી શું? કેવો-પ્યાર! કેવી નીતિ! મારા ઉપર જે એના કાગળો તેમાં કેટલી નરમાસ, કેટલો પ્યાર, ને કેટલી શિખામણ! ઓ ભાઈ! તમારી તો મને ખોટ જ છે. જારે હું સુરતમાં ત્રણ વરસ રહ્યો હતો ને મારી મા મરી ગઈ હતી તે વખત જારે પોતે મુંબઈમાં એકલા હતા ને જારે માધવાનળની ચોપડીનો ઉતારો કરતા હતા, ત્યારે માધવને દેશનિકાલ થયેથી તેના બાપે જે રુદન કીધું છ તે વાંચતા તેને ધ્રુજારી છુટી હતી ને હાથમાંથી કલમ પડી ગઈ હતી ને પોતે પણ પડી ગયા હતા. એ બનાવ જે તેણે મને કાગળમાં આબેહૂબ ચિતરી મોકલ્યો હતો તે મને હજી સાંભરે છે! સામળદાસની ચોપડીઓની પ્રસિદ્ધી કરવાનું થોડુંક માન એને પણ છે. એણે જ, બાપુ હરશેઠ દેવલેકર છાપખાનાવાળાને સલાહ આપી હતી કે ચોપડીઓ છપાવીશ તો તને ને લોકને લાભ થશે. એ ચોપડીઓ એણે જ જેના ઘરમાં પોતે ભાડે રહેતા તેના ઘરમાં હાથની લખેલી હતી તેની પાસ બહાર કહડાવી – એવી સરતથી કે એક છાપેલી ચોપડી તેને આપવામાં આવશે. પોતાને પિંગળનું જ્ઞાન નહીં તેથી પ્રત પ્રમાણે જ નકલ કર્યા કીધી.

   એને પુસ્તકોની સંભાળ રાખવાની બહુ કાળજી હતી. હમારા ઘરડાના ઘરમાં સુમારવનાનાં સંસ્કૃત પુસ્તકો હતાં, જેની તેણે વર્ગ બાંધી ટીપ કરી હતી; પણ હાય મોટી આગે તેનો સંહાર કરી નાખ્યો.

   એને ગુજરાતી કવિતા ઉપર લક્ષ નહીં પણ ગાયનમાં સારી સમજ હતી. પોતે પણ સાજ સાથે ગાતા – એ વેળાએ એવી તો મજાહ કરતા કે કંઈ કહ્યાની જ વાત નહીં. એણે સુરતના વિજયાનંદને સારી પેઠે સાંભળેલા અને ભીમાનંદ ગવૈયો, જે એનો સગો ને સ્નેહી, તેની સાથે પણ થોડા ફરેલા – ને નાનપણમાં બહુ સાંભળેલું. જી દહાડેથી મેં કવિતા કરવા માંડી તી દહાડેથી એને કવિતા સંબંધી જ્ઞાન સારૂં થવા લાગ્યું ને પછી પોતાના આનંદને માટે મારી જ કવિતા વાંચતા, ને કહેતા કે, `ભાઈ તારી કવિતા વાંચવાથી રોવું આવેછ પણ પછી બહુ સુખ થાયછ.’

   સુધારાવાળાઓના વિચાર તેને ખરેખર ગમતા હતા – પણ કહેતા કે `હમણાં બ્હાર પડવાનો વખત નથી. ઘણા દહાડા થયાં એટલે એની મેળે ચાલશે.’ જાતિભેદ વિષે કહેતા કે `25 જણ જુદા પડે તો તું સામેલ થજે.’ મારા પુનર્વિવાહ તરફના વિચારો ઉપરથી કેટલાક લોકો એને મ્હોડે મારી નિંદા કરતા તો તેઓને તે જવાબ દેતા કે `ભાઈ! જેવો જેનો વિચાર; તે કહેછ તે ખોટું શું છે? તે તો મને પણ કહેછ કે તમે પુનર્વિવાહ કરો.’ એઓ બુદ્ધિવર્ધક સભામાં આવતા – હું ભાષણ કરતો તે પોતે સામે ખુરસી ઉપર બેસી સાંભળતા. એણે પણ એક વખત સત્ય ઉપર નિબંધ વાંચ્યો હતો, હું આટલો સુધારામાં અગ્રેસર પણ મારાથી તે દુ:ખી થતા નહીં.

   મારા ઉપર એનો પ્રેમ અતીસે-મનેજ દેખતા-મારી મરજી ઉપરાંત કામ કરતા નહીં. મારાં લખાણની નકલ કરી આપતા ને હું પણ નિબંધ અથવા કવિતા લખીને પ્રથમ એની આગળ વાંચતો ને જહાં હદથી જ્યારે ફાટયો હોઊં તાંહા ફેરફાર કરવાની સલાહ આપતા – ને તેમ હું કરતો. મારી ઉંમરમાં એણે એક પ્રસંગ સિવાયે કોઈ વખતે ઝાંસો સરખો પણ કીધો નથી. બેઠી બાંધણીનો બોધ કર્યા કીધોછ – રે મને દુ:ખ થાય માટે પોતે બીજી વાર પરણ્યા નહીં. મારી ભુલ, મારૂં સાહસ એણે સાંખ્યા કીધુંછ ને મારા ઉદ્યોગમાં મને હંમેશ ઉત્તેજન અને સાહ્યતા આપ્યાં કીધાંછ.

   એની પ્રકૃતિ પ્રેમાણ, ટેકી, ધીરી, સંતોષી ને રસિક હતી. જેઓ એના પ્રસંગમાં આવેલી તે સહુની જ એણે પ્રીતિ સંપાદન કીધી હતી. નિયમસર ખરચ કરનાર પણ પ્રસંગે હદની બ્હાર જતા – ન્યાતમાં ઉજળા ને પ્રતિષ્ઠિત કહેવાતા. મારી માંદી માને પગરસ્તે સુરત લઈ આવ્યા તો મિઆનો, આંગડીયા, મસાલ સાથેનો ખરચ રૂ. 300) કીધો.

   ઘણી ઘણી વાતો લખવાની છે પણ નિરાંત નથી. એણે 37 વરસમાં 25000)રૂપિયા ખરી મ્હેનતથી મેળવ્યા. તેમાં પોતાના બાપનું રૂ. 6000)નું કરજ તેમાં ત્રીજે હિસ્સે રૂ. 2000) પોતાના આપ્યા; પોતાનાં અઘરણીનો, મારા જનોઈનો ને બે વાર લગનનો, મારાં અઘરણીનો, મારી માના મુઆનો ને મારી વહુના મુઆનો તમામ ખરચ પોતે કીધો. એ મુઆ તારે રૂ. 5000)ની 4 ટકાની પ્રૉમીસરી નોટ, રૂ. 1000)નું ઘરેણું, બે ગાળાનું એક ઘર જેને બંધાવતા રૂ. 1200 ને સમરાવતાં 600, એમ રૂ. 1800 ને ભાંયના રૂ. 200) ગણીયે મળીને રૂ. 2000) અને 500)નો બીજો સામાન એટલો વારસો મારે સારૂં મુક્યો હતો.

   મારી મા નવદુર્ગા જેને સહુ ન્હાની કહેતા અથવા સાસરેથી રૂકમણીવહુ તે સંવત 1875 ના આસો મહિનામાં જન્મી ને 1907 ના કારતક વદ 4 તે તેત્રિસ વરસની ઉંમરે મરી ગઈ. એ ઘરકામમાં કુશળ, સુઘડ, ઉદ્યોગી, કરકસર સમજનારી ને સંતોષી હતી. એને લખતાં, વાંચતાં, ભરતાં, સીવતાં ને ગીત ગાતાં સારૂં આવડતું. સ્વભાવ ગરીબ અને મળતાવડો હતો, પણ મને ધાકમાં બહુ રાખતી. એને પોતાનાં ગરીબ સગાંની બહુ દાઝ હતી ને વેળાએ વેળાએ તેઓને લુગડાં વગેરે આપી મદદ કરતી. એ એકલી પડતી ત્યારે પોતાના મરી ગયલાં વ્હાલાંને સંભારી રડતી. એને પૂજાપાઠનું બહુ ગમતું હતું. કોઈ માગનારને ભીખ આપ્યા વિના પાછું કહાડતી નહીં. એક વખત એક ધુતારો બાવો મારા બાપ લખતા હતા ત્યાં આવીને બોલ્યો કે તપખીર સુંઘાડ. મારા બાપે સુંઘાડી એટલે બાવાએ મ્હોડામાંથી ફુક્કા કહાડયા (સહુ કહેતા કે આંતરડાંના ગુંછળાં), ચોખા લઈને પાણી કહાડયું, એ જોઈને મારા બાપ ભોળાવાઈ ગયા ને ઘરમાં કહ્યું કે એને એક ધોતીઊં ને અંગરખો આપો. મારી મા જે રસોઈમાં હતી તેણે બ્હાર આવી પેલા બાવાને ધમકાવીને કહાડી મુક્યો. મારા બાપ ભોળાવાય તેવા ન્હોતા પણ એક તી દહાડેજ કોણ જાણે શું થઈ ગયું? એ વાત મને હજી સાંભરે છે! અરે મંદવાડમાં જારે તે મને બોલાવતી ને પોતાનાં દુખતાં પેટ ઉપર મારું મોટપણનું શરમાતું માથું મુકાવતી ને પછી પ્રેમથી-છેલ્લા પ્રેમથી (ફરી દહાડા આવ્યા નહિ) ધીમાં આંસુ પાડતી તે ચિત્ર હું નથી ભુલતો જો! એ પ્રમાણે મારાં માબાપ સંબંધી થોડી ઘણી હકીકત છે. ખરેખર મારાં ગરીબ પણ કુલીન માબાપના સદ્ગુણો વિષે હું જેટલું બોલું તેટલું થોડું છે ને બોલું તે પણ લોકમાં બડાઈ કહેવાય. પણ આ પ્રસંગે હું મારા અંતકરણથી ઇચ્છુંછ કે જેટલો હું તેઓથી સંતોષ પામ્યોછ તેવો સંતોષ બીજાં છોકરાંઓ પણ પોતાના માબાપથી પામે.
*****


0 comments


Leave comment