42 - આંખ હમેશાં ઝાંખું ભાળે / હર્ષ બ્રહ્મભટ્ટ
આંખ હમેશાં ઝાંખું ભાળે,
છતાં ગાળ ખાધી અજવાળે.
સાહેબ તાજામાજા બોલ્યા,
વાસી ફૂલ ખીલ્યાં છે ડાળે.
સાલ વ્યાજમાં ગણાઈ ગઈ’તી,
ભૂલ પડી તેથી સરવાળે.
એને સૌ પાવરધો કહેતા,
વાત આજની કાલે ટાળે.
શુંય ગયું ખોવાઈ આંખનું,
સપનાંઓ આંસુને ચાળે.
માંડ બંધનો સઘળાં ત્યાગ્યાં,
ત્યાં બંધાયા ત્યાગના તાળે.
0 comments
Leave comment