52.3 - મને ખબર છે મને તું કશું ન દેવાનો! / પગલાં તળાવમાં / રમેશ પારેખ


    "છેલ્લાં પાંચ સાત વર્ષ દરમિયાન અમદાવાદમાં ત્રણેક નવી કલમો ગજું કાઢી રહી છે. એમાં એક તે અશોક ચાવડા છે. તેની નવી નવી રચનાઓમાંથી ઘણા શનિવારે પસાર થવાનું આવ્યું છે. હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરની પ્રતિ શનિવાર મળતી આ કવિતાસભામાં અશોક ઘણુંખરું હોય અને પોતાની નવી રચનાઓ વાંચે. મને 'બેદિલ'ના તખલ્લુસથી લખતા અશોકની કવિતાશક્તિ સતત આકર્ષતી રહી છે. ગઝલ એનું સબળ બનતું જતું માધ્યમ છે. એની ગઝલો પુરાકલ્પનથી શરૂ કરી તળપદાં કલ્પનો સુધી વિસ્તરે છે અને નવીગુજરાતી કવિતા સાથે, પોતાની ગઝલને એ જોડેલી રાખે છે." આવુંકવિશ્રી ચિનુ મોદીએ જેના માટે જણાવ્યું છે તે શ્રી અશોક ચાવડા 'બેદિલ'નો ગઝલસંગ્રહ 'પગલાં તળાવમાં' નામેહમણાં પ્રકટ થયો છે.

    ૨૩, ઑગસ્ટ ૧૯૭૮માં ભાવનગરમાં જન્મેલા આ કવિ બી.કૉમ. (ઍકાઉન્ટન્સી) તથા બી.એ. (અંગ્રેજી સાહિત્ય) તેમ જ માસ્ટર ઇન ડેવલપમેન્ટ કૉમ્યુનિકેશનની ડિગ્રી ધરાવે છે. તેમણે 'ગુજરાતી દલિત કવિતાનો ઉદભવ અને વિકાસ' આ વિષય પર સંશોધન કાર્ય કરેલું છે. હાલ તેઓ અમદાવાદમાં પત્રકારત્વ અને ફ્રિલાન્સ લેખનકાર્ય કરે છે.

    શ્રી અશોક ચાવડા 'બેદિલ'નો ગઝલસંગ્રહ 'પગલાં તળાવમાં' વાંચતાં એવી છાપ પડે કે આ ગઝલકારની કલમ પર પરંપરિત અને અદ્યતન એમ બેઉ પ્રકારની ગઝલના સંસ્કાર ઝિલાયા છે.

    પરંપરાના ગઝલકાર જનાબ બરકત વિરાણી 'બેફામ'ની ગઝલની આગળ તરી આવતી ખાસિયત હતી કે તેમની ગઝલનો મકતા (અંતિમ શે'ર) મૃત્યુવિષયક વાત કરતો હોય. અહીં શ્રી ચાવડાની ગઝલમાં પણ મોટે ભાગે મક્તાના શે'રમાં મૃત્યુચિંતન હોય છે. ઉ. ત.
બેદિલ' હવે એનું મિલન છે આખરી મિલન,
આવીરહી છે એ મને મળવા વિવશ થઈ.
*
દફનાવવાની ના ઉતાવળ ડાઘુઓ કરો,
'બેદિલ' હવે જીવી રહ્યો મરવાની આડમાં.
*
જડમૂળમાંથી કોઈ ઉખેડી ના શક્યું મને,
'બેદિલ' ઉખેડ્યો આખરે મારી જડે મને.
*
'બેદિલ' મૂકીને જાત ખુદની ક્યાં જતો રહ્યો,
આખું નગર છે મૌન એનાં કૈં સગડ નથી.
*
તું મોત માગીને હવે 'બેદિલ' કરીશશું?
જ્યાંજિંદગીમાં રોજ મરવાનો પ્રબંધ છે.
     શ્રી અમૃત 'ઘાયલ' નવા ગઝલકારોની ગઝલને 'ઍન્ટિગઝલ' તરીકે ઓળખાવતા. તેઓ કહેતા "આ ગઝલકારો છંદ સિવાય, રદીફ-કાફિયાસિવાય ગઝલશાસ્ત્રની એક પણ અદબ પાળતા નથી." (તેમની ગણતરીમાં મારી - રમેશપારેખની - ગઝલો પણ હતી.) ગઝલમાં એક શેરમાં એક વિચાર સંપૂર્ણપણે વ્યક્ત થવો જોઈએ. એ વાત પછીના શે'ર સુધી લંબાતી હોય તો તે મુસલસલ ગઝલ અથવા નઝમનુમા ગઝલ કહેવાય એમ પણ ઘાયલસાહેબ કહેતા. ભાઈશ્રી અશોક ચાવડાની ગઝલ વાંચતાં શ્રી ઘાયલસાહેબની ટકોર યાદ અવશ્ય આવે છે. શ્રી ચાવડાનો એક શે'રજોઈએ :
વ્યવહાર, મજબૂરી, સમયનીઆંટીઘૂંટીમાં,
મારાં સ્મરણને સાચવે છે માંડ માંડ તું.

    આ 'તું'ની મનની અવસ્થા 'મને' ક્યાંથી સમજાઈ? અહીં અંદાઝેબયાની ખોડંગાય છે.
    આ શે'ર પછીનો દમદાર શે'ર પણ શ્રી ચાવડા આપી શકે છે :
એકાદ જડ રહી જતાં ઘનઘોર થૈ જઈશ,
હું કલ્પવૃક્ષ છું - મને જડથી ઉખાડ તું.

    ક્યારેક આ કવિ નવી રદીફ લાવી ચોંકાવે છે. પણ ચોંકાવે છે એટલું જ.
ચારે દિશાઓ ઝળહળો શ્રીફળ વધેરું છું;
શ્રદ્ધાથીથઈને ગળગળો શ્રીફળ વધેરું છું.

    ખેર... નવકવિની મુગ્ધતાવશ ઘઉં સાથે કાંકરાયે પ્રથમ સંગ્રહમાં વેરાયેલા હોય. કવિની શક્તિ ખોટી જગાએ વેડફાઈ જાય નહીં તે આશયથી અહીં કેટલીક નુક્તેચીની કરી છે.

    આ ગઝલસંગ્રહમાંથી કેટલાક દમદાર શે'રોપણ મળે છે. તેમાંથી થોડા આપણે સાથે વાંચીએ :
ખંડિયેરી ભવનમાં આવે છે;
દર્દ સારાં શુકનમાં આવે છે.
*
જનમજનમથી સમયસર મેં રાહ જોઈ છે,
જનમજનમથી તું મોડી પડી છે બસ થોડી.
*
મનેખબર છે મને તું કશું ન દેવાનો,
કશુંન માગીને હું તારી શાન રાખું છું.
*
જીવનદેનારને છે હક એ પાછું લેવાનો,
કશુંજ ખોટું ન એમાં જો ફૂલ માળી લે.
*
મનેહજીય ન એ વાતની ખબર શાને?
ઉદાસહોઉં છું હું કારણો વગર શાને?
*
શ્વાસમાંછું, રક્તમાં છું, હું જ નખશિખ છું ત્વચા,
તુંમને શી રીત તારાથી અલગ કરશે, પ્રિયે!
('ફૂલછાબ' :૧૯, સપ્ટેમ્બર ૨૦૦૪, 'શબ્દસંગત')
* * *


0 comments


Leave comment