36 - બહારો જોઈએ / ગની દહીંવાલા


સાથ કંઈ એ રીતે જીવનભર તમારો જોઈએ
આગ પર આઠે પ્રહાર વ્યાકુળ પારો જોઈએ.

જિંદગી પર જોઈતા સઘળા પ્રહારો જોઈએ,
જીવવા માટે મને કંઈ તો સહારો જોઈએ.

ચાહું છું દુઃખ-દર્દ દુનિયામાં બધાં ભૂલી જવા,
મારી એકલતાને બસ તારા વિચારો જોઈએ.

કહી રહી છે પાનખરની હર અદા ઉપવન મહીં;
આમ બરબાદી સહે, જેને બહારો જોઈએ.

ઈશ્કને હર બિંદુમાં તોફાનની છે ઝંખના,
બુદ્ધિને પ્રત્યેક મોજાં પર કિનારો જોઈએ.

આપને ત્યારે જ સૂરજના પ્રતિસ્પર્ધી ગણું,
મારી સંધ્યાઓ બનાવી દો સવારો, જોઈએ !

પાનખરને પણ ઘડીભર થઈ જવું પડશે વસંત,
સ્મિત કરતાં આપ ઉપવનમાં પધારો, જોઈએ !

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મહેમાનને માટે ઉતારો જોઈએ.


0 comments


Leave comment