18 - ટીટોડીની માથે... / અનિલ વાળા


ટીટોડીની માથે ઈંડું ફૂટ્યું !
ને એમાંથી આખુંયે બ્રહ્માંડ ધડોધડ સળવળતું તરફડતું નાસી છૂટ્યું !

વાંસવનોનાં ઝૂરાપાથી લીલીછમ્ ઝળહળતી જ્વાળા પ્રગતિ,
ડચકારો દૈ ઊભા આખલા, ગાયો થઈ ગઈ નકટી...

રતુંબડા ચ્હેરાની ભીની પાંપણ ઉપર ગીત કોઈએ ઘૂંટ્યું...
ટીટોડીની માથે ઈંડું ફૂટ્યું !

પાડા પાડા લડ્યા કરે ને જાય ઝાડનો ખો,
પ્રાણપિયારી હે, વાગેશરી ! જરાક્ તો તું જો.

હા, ખાલીપો ઉલેચવાથી હાથ પડ્યા છે માંદા,
જેમાં નકારો ખરચો છે ત્યાં શું કાઢીશ તું કાંદા ?

હાય રે, સપનું સૂંઢાળાની સૂંઢ મહીંથી ટચ્ચ દઈને તૂટ્યું....
ટીટોડીની માથે ઈંડું ફૂટ્યું !

બે પગનો પણ ભાર લથોબથ, ચાલે કેમ કરી સંસાર ?
ખનખનતી દે ચૂડી જોળીએ : જોગી ઊભો છે દ્વાર.

હડકેઠઠ્ઠની સભા હતી ને સૌએ સતનું શિયળ લૂટ્યું....
ટીટોડીની માથે ઈંડું ફૂટ્યું !


0 comments


Leave comment