21 - વડ પર લટકી ગઈ... / અનિલ વાળા


સૂરજ સામે જોઈ ઘૂવડે કૈંક બગાસાં ખાધાં
ત્યાં જ અરેરે ! વડ પર લટકી ગઈ બધીએ ભાષા....

હવામાં અધ્ધરતાલ રહ્યા ફેંકાઈ ચૂકેલાં પાસા,
ચણ મૂકીને શું લેવાને ચકલી ખાય પતાસા ?

એકદા નૈમિષ નામ અરણ્યે લેવાણી રે બાધા....
ત્યાં જ અરેરે ! વડ પર લટકી ગઈ બધીએ ભાષા....

તાંદુલ ઝાપટી નાખ્યાં, થોડાં બોર કરીને એંઠાં,
એક ખૂંટે ખોડાઈ જઈને બસ ક્યારુનાં બેઠાં.

મોરપિચ્છ જોતાંની સાથે છળી મરી જ્યાં રાધા...
ત્યાં જ અરેરે ! વડ પર લટકી ગઈ બધીએ ભાષા.....

વર્સાદ થકી ભીંજાઈ જવાનું સુખ હોય છે શીળું,
તું આપે તે ફૂલ હોય છે રાતું અથવા પીળું,

અધવચ મારગ લીધાં આંતરી, છે પડછાયાં દાધા....
ત્યાં જ અરેરે ! વડ પર લટકી ગઈ બધીએ ભાષા....


0 comments


Leave comment