23 - મારાં ફરતે.... / અનિલ વાળા


મારાં ફરતે ભીંતો ભીંતો... એક નથી દરવાજો !
બારીનું ન નામ નિશાન... કેમ રહું હું તાજો ?

કેમ કરીને ઊગવું મારે ?
કેમ કરી આથમવું ?
ભીંતો વચ્ચે ટુકડે-ટુકડાં
કઈ કઈ રમતો રમવું ?

મૂંઝારાનો મરમ કહો તો... હું થોડો કે ઝાઝો !

સળંગતા ભીનું બટકેલી
છટકેલી છે આંખો :
ઝંખવાઈ ગયો હું મારી પાસે
તેથી લાગુ ઝાંખો !

ઈંટો, રેતી, પથ્થર સઘળાં... મળ્યાં છે દંગલબાજો !


0 comments


Leave comment