25 - ઓચિંતા.... / અનિલ વાળા


ઓચિંતા ધગધગતા સૂરજ પર હાથ તમે મૂકો
ને આંગળિયું ફોરમ થઈ જાય !
‘હોવું’ તમારું સાવ ઓગળતું ઓગળતું વરસાદી મોસમ થઈ જાય !

પોતાને ચાંપવાની આગ તમે શોધો
જે પગના અંગૂઠામાં હોય,
‘સાચ’ નામે પંખીની ચાંચનું તણખલું
નરદમ જુઠ્ઠાણામાં હોય !

પગલું માંડો તો લોલ ઊતરે અંકાશ અને રસ્તા પર જાજમ થઈ જાય !
ઓચિંતા ધગધગતા સૂરજ પર હાથ તમે મૂકો
ને આંગળિયું ફોરમ થઈ જાય !

સેંકડો ઈશારાઓ લખવામાં સાંજ પડે એવી
કે સપનામાં દરિયો દેખાય...
દરિયામાં રહેનારી માછલી પૂછે છે કે –
દરિયો તે કોને કહેવાય ?

સૂરજની વાતોથી દરિયો સુકાય પછી સૂરજની ટેવ લોલ કાયમ થઈ જાય....
ઓચિંતા ધગધગતા સૂરજ પર હાથ તમે મૂકો
ને આંગળિયું ફોરમ થઈ જાય !


0 comments


Leave comment