27 - સોળ વરસનાં સપનાં આગળ / અનિલ વાળા
સોળ વરસનાં સપનાં આગળ
એક છોકરી ચૂરેચૂરો થૈ ગૈ....
એની સળવળતી ઈચ્છાઓ
હાય... હાય... રે, કાનખજૂરો થૈ ગૈ...
ગામલોક તો મોઢાં ઉપર ગરણાં બાંધી જીવે,
છોરી આગળ સાચ્ચે-સાચું કહેતાં લોકો બીવે....
પોતાનામાં છલકી છલકી
જાણે કે એ ઘડો અધૂરો થૈ ગૈ...
એક છોકરી ચૂરેચૂરો થૈ ગૈ...
સાત મણનો શિરો કરે ને અધમણ આંધણ મેલે,
ગૂંચ પડી ગૈ જોબનિયામાં ક્યાંથી ગૂંચ ઉકેલે ?
મીરાંબાઈનું ભજન સાંભળી
સાવ અચાનક તાર-તંબૂરો થૈ ગૈ...
એક છોકરી ચૂરેચૂરો થૈ ગૈ...
0 comments
Leave comment