28 - સરસ, સરસ.... અરે, બહુ સરસ ! / અનિલ વાળા
જલબિંદુમાં સોળ વરસની સાવ કુંવારી જોઈ તરસ....
હૃદય અમારું બોલી ઊઠ્યું : સરસ, સરસ... અરે, બહુ સરસ !
નીલરંગી વાદળની સાથે એક સૂરજને બાપે માર્યા વેર,
તોય વાદળું પર્વત ઉપર કરતુ કેવી લ્હેર !
છીપલું બોલ્યું જોઈ વાદળું : સ્વાતિ છે તો વરસ !
સરસ, સરસ... અરે, બહુ સરસ !
મોરે ટહુકીને ફેલાવ્યો વરસ્યાનો સંદેશો,
કળા કરીને એમ કહ્યું કે : ના લાવો અંદેશો !
મત્ત પવન પીધેલો ડોલે, એનો કરી પરસ...
હૃદય અમારું બોલી ઊઠ્યું : સરસ, સરસ.... અરે, બહુ સરસ !
0 comments
Leave comment