30 - ગીતની દયનીય દશાનું ગીત... / અનિલ વાળા


એક અજાણ્યા શખ્સે જોરદાર કાંઈ ફેંટ લગાવી
હરિગીતનું ડાચું તોડી નાખ્યું !
બનવાનું તો બન્યું આખરે એ જ, જે આગમમાં ભાખ્યું !

ઊંઘણશી રે એક ગતકડું હબાક્ દઈને મુશાયરામાં
એણે તરતું મેલ્યું રે કાંઈ મેલ્યું...
પછી આમથી તાળી-ટપલી-ધબ્બાસોતું ભરી સભાએ
પાછું એને ઠેલ્યું રે કાંઈ ઠેલ્યું....

કાવ્યસંગ્રહમાં પડેલ મડદું ગીત તણું જે મુસાભાઈની બે બકરીએ ચાખ્યું !
બનવાનું તો બન્યું આખરે એ જ જે આગમમાં ભાખ્યું !

કોક કવિએ દોહરાભાઈની નહીં ઊગેલી મૂછ તણાં કાંઈ સમ ખાઈને –
તરન્નુમમાં હળવેથી ખોંખારો ખાધો :
રવરવતાં શબ્દોને એણે ચિપિયાથી પકડી પૂરી દઈ-દાબડી બંધ
કરીને તાળું માર્યું, સૂનો સૂનો ઓ સાધો...

કટાવજીની આંખ તણું નિશાન લઈને ફરી અજાણ્યા શખ્સે આજે
ખતરનાક તીર તાક્યું !
બનવાનું તો બન્યું આખરે એ જ, જે આગમમાં ભાખ્યું !


0 comments


Leave comment