2.4 - ભૂ-કંપ ઉર્ફે એક શોધ – ૪ / રાજેન્દ્ર પટેલ


આ શોધ જ
પાથરે છે પળનો પ્રકાશ
કેડી-કેડી પર
જંગલ-જંગલ પર
નગર-નગર પર.
તેથી ઘર-ઘરમાં રહે ઉજાસ,
ભીતરની વાટે-વાટે જતાં-જતાં
જે જુએ જગત ને સુંઘે જંગલ.
એ જ અચાનક, એક ક્ષણે
ઊંચકે છે સમયને
આભ સુધી.
અને આરંભાય લોહી મધ્યે
એક શોધ.

જે જગાડે છે રાતના ચહેરાને
ને સળગે છે દિવસભર.
એની ભીતરમાં
ખુલે એક વાટ.
એની કેડી-કેડી પર
પ્રગટે છે વાઘ.
જે ચાલે અમાપ
ચાલ્યા જ વગર,
એ વાસ્તવમાં છે વાઘ
નહોર વગરનો છે વાઘ
એક વાઘ
ઊભો કાળ કાંઠે
પોતાની જ રાહ જોતો.


0 comments


Leave comment