2.5 - ભૂ-કંપ ઉર્ફે એક શોધ – ૫ / રાજેન્દ્ર પટેલ


આજ કે કાલ તો
આવશે આ વાઘ.
આ વાઘ-શોધ બની જશે કદાચ
નૃસિંહનો જાણે અવતાર.
જે ભૂલી ગયો શ્વાસનો શ્વાસ
એ બનશે રાખ.
ફરી પાછો ફરશે
વાઘ-શોધ કરતો કરતો
બનીને અજાણ્યાં અસવારનો વાહક.
જે ચાહે એક શોધને
એ બને છે સાચેસાચો વાઘ.

કોઈ
વાઘ નામનાં છૂંદણાં છૂંદાવે જે
વાઘ નામનાં નાળિયેર ફોડે એ
વાઘ નામનાં નિતનિત જાપ જપે છે.
તોય આવશે નહીં આ વાઘ.
હા, મળશે એ અડધી રાતે, વન વચ્ચે
જે સતત શોધે
અંદર અને બહાર એક અને માત્ર એક વાઘ.
જે ખોદે પોતાને
જે ખોલે પોતાને
જે ઊંચકે છે પોતાને
એની રાહ જોતો-જોતો ઊભો એક વાઘ.
દરેકમાં ભળવા તૈયાર
એક-એક વસ્તુમાં ઓગળી જવા એ માગે છે.
જે રહે ભળ્યાં વગર
એ સર્જે ભૂ-કંપ.


0 comments


Leave comment