2.6 - ભૂ-કંપ ઉર્ફે એક શોધ – ૬ / રાજેન્દ્ર પટેલ


વાઘ હોય
કાન્હાનાં જંગલમાં કે સુંદરવનમાં
પણ મળે છે એનું પગેરું
ભીતરનાં જ વનમાં.
એ રાતની વાડ ઠેકી ઊભો છે
બંધ બારી પાસે,
રાહ જોતો ક્યારે ખુલે બારી
ક્યારે ઊંચકાય પડદો.
એ સૂરજનાં પ્રથમ કિરણની જેમ
આલિંગવા માગે છે, આલિંગ્યા વગર.
રોમ રોમ પ્રગટાવવા માગે છે એક એવી ત્રાડ
જેથી ફૂટે છે અદ્રશ્ય આગ.

એક તો આ
દર્પણમાં દેખાય એ વાઘ
નખ વગરના નખથી ઉઝરડે છે
સતત પોતાનો ચહેરો.
આંખ વગરની આંખથી
જુએ મૂંગી આજ,
પણ, હોય છે એ, ક્યાંક હોવા છતાં ખોવાયેલો.
જે શોધે આજને
એને જ મળે છે વાઘ.
શાંત ને સહજ
આગ વિનાની આગથી છવાયેલો
એ ચાલી આવે છે
દરેકની પાસે
હર એક પળે
છતાં મળતો નથી એ સાચો વાઘ.


0 comments


Leave comment