2.7 - ભૂ-કંપ ઉર્ફે એક શોધ – ૭ / રાજેન્દ્ર પટેલ
વાઘને વંદન કરવાથી
મળતો નથી આ વાઘ.
એને હણવાથી હણાતો નથી.
જે હણે છે ગઈકાલની પોતાની જાત
એને જ મળી શકે છે વાઘ.
શ્યામ સુંદર એ વાઘ
ચારણ કન્યાની ડાંગથી ભાગેલો સાવજ
વાઘ બનીને આજે આવ્યો છે ચૂપચાપ.
રેમ્પ ઉપર કેટવોક કરતી કન્યાઓની સામે
તગતગતી બે આંખે
અંધારામાં મોં ફાડી ઊભો છે.
એની ઉપર નથી કોઈ સવાર
ખુદ હોમાઈ જવા ધસતાં ઓળાઓને
ફાડી ખાવા તૈયાર છે.
થનગનતા પોલા પગલાંઓને
વેદનાથી જોતો જોતો
સ્વયં એ આદરે છે
ભૂ-કંપની વચોવચ
આજ સુધી ન શોધાયેલી એક શોધ.
અગણિત પ્રકાશવર્ષ પછીથી
સઘન અંધાર ભરેલી ગુફામાં
પ્રવેશતાં કિરણની જેમ
જાગી ઊઠી એક એક શોધ.
જે શોધે તેનામાં
અને જે શોધાય તેનામાં.
આવીને ચાલી ગયેલાં
ને નહીં આવેલાં સપનાંઓ વચ્ચે
આખેઆખું જંગલ વમળવન થઈ
આ વાઘ-શોધને જીવતી રાખે છે.
તરણાની નીચે
અજાણ્યા વૃક્ષની અજાણી ડાળે
કીડીના પગનાં ઝાંઝરના રણકારે-રણકારે
એક શોધ આગળ વધે છે.
0 comments
Leave comment