2.8 - ભૂ-કંપ ઉર્ફે એક શોધ – ૮ / રાજેન્દ્ર પટેલ


અજવાળામાં તો સૌ જુએ છે
અંધારામાં જુએ
માત્ર એક વાઘ.
ઘનઘોર આજને વીંધતો ચાલી આવે ધૂમકેતુ
એમ ધસી આવે એક વાઘ.

વાઘ ગાય ને કાળનાં ગાન
અને લલકારે પળે-પળે
ખોલવાને અંધારાની ગાંઠ
એ ઊકેલવા મથે છે સઘન રાત.
જેથી પ્રવેશી શકે
જે પ્રવેશ્યું નથી એ કિરણ.

ઊભો છે અંધારું રોકીને
વાડથી ખાળ્યાં છે હિંસક હુમલા
એકલો ઊભો આદિકાળથી
સૌ પર વ્હાલ વરસાવતો.

એક છેડે આગ બીજે છેડે વ્હાલ
વચ્ચે રચે સેતુ
એની ઉપરથી એ ચાલ્યો આવે છે.
દરેકના આંગણે-આંગણે
કહતો કહેતો જાગતા રહેજો.

વાઘ આવ્યો વાઘ કહ્યા પછી
વાઘ આવે પણ ખરો
ન પણ આવે.
બધો આધાર છે
વાઘ શોધની આગ ઉપર.
વાઘના આગમન પહેલા જ
ક્યારેક વાઘ ચાલ્યો જતો હોય છે
જ્યારે હોતું નથી કોઈ વાઘ જેવું.

સદીઓના દુકાળને અંતે
વરસાદના પહેલાં ફોરાથી થનગને સમસ્ત સૃષ્ટિ
એમ જ નાચી ઊઠે વનનું તૃણ-તૃણ
જાણી, આવ્યો છે વાઘ.

અંદરના અડાબીડ જંગલમાં
અથડાતા કૂટાતાં અંધ ભટકેલાં મુસાફરને
આપોઆપ જડે કેડી
એમ વાઘ શોધતાં શોધતાં જડી એક કેડી.
મળી એક મેડી
દૂર દૂર જોતાં-જોતાં
જોવાઈ જવાયું છે ભીતર
અંદરના અંધકારમાં તગતગે છે
વાઘ-શોધની બે આંખો.
એક છું હું
એક તમે
અંદર-બહારને જોડે છે
આજ એક શોધ.


0 comments


Leave comment