2.9 - ભૂ-કંપ ઉર્ફે એક શોધ – ૯ / રાજેન્દ્ર પટેલ


ભૂ-કંપથી કંપ સુધી
વાઘ પગલે-પગલે
ઊગે છે અદ્રશ્ય વન
અને એ શોધે છે
તરણે-તરણે
કોષે-કોષે
માણસે-માણસે
ભૂ-કંપનાં મૂળ
જેથી સર્જાય છે એક શોધ
સૌને કાજે.

રામ શોધે સીતા
સીતા શોધે ભૂમિમાં મારગ
ભૂમિ શોધે માણસ, સાચેસાચા વાઘ જેવો માણસ.
સોનમૃગ શોધે, રાવણ શોધે, જટાયુ શોધે, શોધે રામ રામને.
જે શોધે પોતાને, ભૂમિને કાજ
એ જ મળે પોતે,પોતાને.

જે જડે છે તરત એ ખોવાય પળમાં
શોધતાં શોધતાં મળે પોતાને એ પામે છે રામ.
પણ નથી મળતું કોઈ કોઈને ત્યારે
ફાટે છે ભોં,
દર એક ક્ષણે
ફાટે છે ભોં.
અને પ્રત્યેક ક્ષણે પ્રવેશે છે
એક અબળા પળ
જે શોધે છે પોતાનું મૂળ.
કોને ખબર રામ રચે છે ભૂકંપ
ભૂ-કંપ માટે.
ના નથી કોઈ કંપ.
એટલે રચાય છે તિરાડ
ધરતીમાં.
લાખ-લાખ તિરાડ પછીયે
તૂટતું નથી કશું એટલે રચાય છે ભૂ-કંપ.
રામ તરછોડે સીતાને એમ
તરછોડી છે આપણે આપણી જાત
અને જાત નામે જાનકી પ્રવેશે છે ભૂમિમાં.

દરેક ક્ષણે રચાતા ભૂ-કંપમાં,
રચવી એક એવી ભૂમિ
જ્યાં થાય નહીં કદી ભૂ-કંપ.


0 comments


Leave comment