6 - પ્રકરણ ૬ ઠું - કુલીન જમાઈ / સવિતા સુંદરી / ઈચ્છારામ દેસાઈ


મર્કટ બદન ભયંકર દેહી,
દેખત હૃદય ક્રોધ ભાતેહી;
દેખિ શિવહિસુરતિય મુસકાહીં,
બરલાયક દુલહિન જગ નાહીં.”
[માનસરામાયણ]
    જે દિવસે ગુણવંતગૌરીએ સવીતાશંકરને પત્ર લખ્યો, તેને બીજે દહાડે વિગ્રહાનંદભટ્ટજી મહારાજ, પોતાના ગામની પડોસમાં આવેલા ગામમાં ગયા. ત્યાં તપાસ કરી તો વિઘ્નસંતોષીરામ નામના ભારદ્વાજ ગોત્રના એક કુલીન બ્રાહ્મણ તેઓને જમાઇ કરવાને યોગ્ય જણાયા. તેમની સાથે વિવાહનું નક્કી કરીને દિવાળી ઉતરતા ત્રીજે દિવસે વિગ્રહાનંદ, પોતાને સાસરે આવ્યા. વિઘ્નસંતોષીરામ પણ સાથે જ હતા. તેઓનું સ્વરૂ૫ જોવાજોગ હતું. ગોળમટોળ માટલા જેવું માથું હતું, ખાવાપીવાનું નહીં હોવાથી શરીર સોરાઈ સુકાઈ ગયું હતું. રંગે તેમના આગળ ભેંસની મેસ પણ પાછી હઠે. માથાના વાળ પાકી ગયા હતા, ને મોઢામાં દાંત તો માત્ર ગણત્રીનાજ રહ્યા હતા. પગના ટેટામાં અનેક પ્રકારના ગાંઠાગડફા બાઝેલા હતા. મોઢા પર સીલીના વાણનો પાર નહોતો. આખા શરીર પર રીંછની પેઠે વાળ ઉગેલા હતા. હબસીભાઈ પેરે કાળા છતાં મોઢામાં પાનનો ડૂચો દોઢ શેર દાબતા તેથી હોઠ લાલ જણાતા હતા. નાકના નસકોરામાં તપખીર ગડબવાથી નસકોરા એવા તો પહોળા થઈ ગયા હતા કે તેમાં સવાશેર તપખીરનો હીસાબ લાગે નહીં; ને તપખીરના સડાકા લેવાથી પેલી કહેતી પ્રમાણે 'સુંઘે તેના લુંગડા' પણ તપખીરીયા રંગના થઈ ગયા હતા. એકાદ ચપટો તપખીરનો ભરતા તે વેળાનો તેમના મોઢાનો ઘાટ જોવા જેવો થતો હતો. નાકમાંથી પાણી તો ટપકતું જારીજ હતું, ને મોઢામાંથી લાલ ગળે તે તો જૂદી જ. ઉમ્મર તો ઝાઝી નહોતી, પચાસ પંચાવનને પહોંચી ગયા હતા !! આવા કાંતિવાન્ છતાં તેઓ કુલીન હતા. તેમના દાદાના દાદાએ સોમયાગ કીધો હતો, ને ખંડેરાવના બાપ શિયાજીરાવના વખતમાં તેઓ સાત બાબાસાઇએ ગામનું શાસ્ત્રીપણું કરતા હતા, ને પચાસ વરશપર એમના એકાદા વડવાને જ્યોતિષશાસ્ત્ર સારૂ જાણવાને માટે વરસદહાડે બાબાસાઈ ૬૦નું વરસાસન શરૂ થયું હતું. આજે તો તેમાં બાર ભાગ પડી ગયા હતા. વળી વિઘ્નસંતોષીરામના પરદાદા ઔદિચ જ્ઞાતના પટેલ હતા ને ન્યાતમાં કરતા કારવતા પણ ગણાતા હતા; અને તેથી આજ વરસો થયા તેમની પ્રતિષ્ઠા ન્યાત જ્યાતમાં ઘણી ગણાતી આવી છે. ન્યાતમાં તેમના વગર પાટલો ફરે નહીં તેમ ગાયકવાડ સરકારમાં જ્યારે શાસ્ત્રી પંડિતોની સભા ભરાતી ત્યારે તેઓને નિમંત્રણ આવતું હતું. જોકે એ પોતે તો બ્રહ્મ અક્ષર પણ જાણતા નહીં, ને માહદેવની રૂદ્રિ કરતા તો ભટ્ટજી મહારાજ જાણતા કે તેઓ જજમાનનું કેટલું ક૯યાણ કરી નાંખે છે, ને યજમાન જાણતા કે આપણા વિઘ્નસંકટ ગયા, બાકી પાના ઉઠલાવી જાય તેજ, એક શ્લોક પણ પૂરો પાધરો વાંચતા આવડતો હોય તો - બીજા કોના સમ ખાઇયે - એમના પોતાના બાપનાજ સમ !

    જ્યારે ગોકુળરાયજીયે પોતાના બનેવીને બીજો કાગળ લખ્યો તે પછી વિગ્રહાનંદે આસપાસના માણસોથી ખબર કઢાવી તો, કેટલેક દિવસે, જાણે મસાળ લઇને ઢૂંડી કાઢ્યા હોય તેમ ખરે બપોરે આ વરરાજા ક્યાં પડેલા હતા તે જણાયા. તેમને વિવાહને માટે સમજાવતા સમજાવતા ઘણી મહેનત પડી હતી, ને તેમ કરતા વિગ્રહાનંદને પ્રથમ પાંચ દશ રૂપિયાનો ખર્ચ પણ થઇ ચુકયો હતો. પોતાના કુળ સમાન માત્ર આજ વરરાજા છે એમ જણાવાથી વિગ્રહાનંદ ઘણા સંતોષ પામ્યા હતા. વિશ્વસંતોષીરામે આટલી ઉમરમાં અગિયાર કન્યા સાથે લગ્ન કીધા હતા, અર્થાત્ તે સર્વેનું કુમારીકાનું કલંક કાઢ્યું છે, બાકી કોઇને પણ એક દિવસ સુખ આપ્યું નથી. તેમના ઘરમાં તો હાંલ્લેહાલ્લાં લડે, ને ભિક્ષાથી કંઇ આવે તે પરજ ગુજારો કરે તેમ હતું, પણ તોર તો નવલખીનો હતો. તેઓ જો હમણા સુંદરીને પરણે તો બારમી કન્યાનો એાધ્ધાર થાય તેમ હતું !

    જ્યારે વિઘ્નસંતોષીરામ સાથે વિવાહની વાત કરવામાં આવી, ત્યારે પ્રથમ તો તેઓ છાપરે ચઢીને બેઠા. પછી વાત પહેરામણી પર આવી. અને તે સાથે આ પણ જણાવ્યું કે તમારી દિકરીના ભરણપોષણનો બંદોબસ્ત તમારે જ કરવો પડશે. વિગ્રહાનંદે કહ્યું, “તમારી ઇચ્છાની બહાર હું નથી, તમો ખરેખર કુલીન છો, ને તમારા જેવા જમાઇ મને ત્રિભુવનમાંથી પણ મળનાર નથી, તમે ચિરંજીવ રહો. તમારા જેવા સુબુધ્ધિ, સજજન, કુલીન, વિદ્વાન મનુષ્ય આજ કાલ મલવા કઠીણ છે. તમોએ જે જે કંઇ કહ્યું, તે મારે કબૂલ છે, મંજુર છે, મારી પુત્રીના ભરણપોષણનો હું બંદોબસ્ત કરીશ, તે બાબતમાં જોઇતો હોય તો સ્ટામ્પનો કાગળ લાવી દસ્તાવેજ કરી આપું. તે મારી પુત્રી જન્મથી જ પોતાને મોસાલ રહે છે, ને તેના મામા તેનું પોષણ કરે છે. લગ્ન થયા પછી પણ તે પોતાના મામાને ત્યાં રહેશે, તેની તમો કશી ચિંતા કરો નહીં. અને પેહેરામણી મારી શક્તિ મુજબ આપીશ, તેમાં તમે બોલશો નહીં.”

    વિઘ્નસંતોષીરામે કહ્યું, “પેહેરામણીનું પેહેલે નક્કી થવું જેઈએ. જેટલી કન્યાની ઉમર વધારે હશે તે પ્રમાણે પેહેરામણીનું પણ વધારે આ૫વું ૫ડશે. એ વાતથી તમે કંઇ અણજાણ હશો નહીં. તમો પણ કુલીન છો, પૈસા કેમ લીધા છે તે જાણો છો. તમારી કન્યાની ઉમર કેટલી છે વારૂં ?” વિગ્રહાનંદે કહ્યું, “કંઈ ઘણી નથી, પંદર સોળ વરશ હશે !”

    “અહોહો ! પંદર સોળ! એ તો ઘણા થયા. તમારી કન્યામાં કંઈ ખોડ હશે તેથી કોણ સંઘરે? વિગ્રહાનંદજી, એ વાત હવે તો માંડી જ વાળો. એવી ડોસી જેવીને હું મારે ગળે બાંધવા રાજી નથી. તમે કોઈ શોધી લો. એ કોંટ હું ક્યાં ગળે બાંધું, ” વિઘ્નસંતોષીરામે છાપરે ચઢી કહ્યું.

    વિગ્રહાનંદે કહ્યું, “નહીં મહારાજ, તમો એમ બોલો નહીં. મારી શક્તિ પ્રમાણે હું પેહેરામણી આપીશ, પણ મારી અવસ્થા તરફ નજર કરીને કહો કે કેટલા રૂપીયા પહેરામણીમાં રોકડા આપવા. ”

    વિઘ્નસંતોષીરામે પેહેરામણીથી લલચાઇને કહ્યું, "જુઓ, વિગ્રહાનંદજી, કુલીન જમાઇ કંઇ શોધ્યા સટાસટ મળતા નથી. હવે તમો આવ્યા છો તો મોઢું છંદાતું નથી, ને તેથી જ હા પાડું છું. તમો સમજુ છો, ને હું પણ કુલીન છું, તે વગર કંઈ મારે ત્યાં આ અગિયાર અગિયાર લોંડીયો પાણી ભરવાને દલણા દલવા આવે ? વાતમાં કંઇ વિસાત નથી, મને ત્રણસો રૂપયા રોકડા આપશો ને બાકીનો સામાન આપશો તો બસ! જે આપણી ન્યાતનો ચાલ છે તેજ હું માંગું છું, ને તે મળશે તો પછી મને કશો વાંધો નથી. હું કંઇ વધારે માંગતો નથી. મારી પહેલી ધણીયાણી, મૂર્ખારામની દિકરી સાથે લગ્ન થયા ત્યારે તે દાયજામાં આઠસો લીધા હતા, આ છેલ્લી આવી ત્યારે પણ પાંચસો રોકડા ને બસોનો માલ આપ્યો હતો; આ તો હમણા તો તમારી અવસ્થા જોઇને કમમાં કમ કહ્યું છે.

    વિગ્રહાનંદે તેને ઘણો સમજાવીને બસો રોકડા ને સોનો માલ આપવાનો ઠરાવ્યો; તે પછી તેઓને ઘેરથી જાન લેઇને આવવાને કહ્યું, જાનમાંતો ત્રણ જણ હતા એટલે તુરત સૌને સાથે લૈને વડોદરે આવ્યા. કાર્તિક સુદ ૧ર ના શુભલગ્ન ઠરાવ્યા હતા. વિઘ્નસંતોષીરામ રેલ ગાડીમાં બેસતાં જ વિચાર કરવા લાગ્યા કે મારે સાસરે જતાં આજે તો ઘણે દિવસે કંસારના થશે; સારૂં સન્માન થશે, ને મને જોતાં જ સાસુજી રાજી રાજી થઈ જશે. પણ આ આશા કેટલી ફલીભૂત થઈ તે જોવાનું છે.


0 comments


Leave comment