52.6 - ગઝલ સ્વરૂપની આરાધના કરતો દમદાર કવિ / પગલાં તળાવમાં / ડૉ. નરેશ શુક્લ


    નવી પેઢીમાં જે કેટલાક કવિઓ ઊભરી રહ્યા છે એમાં અશોક ચાવડા 'બેદિલ' પણ આવે. 'પગલાં તળાવમાં' એ એનો પહેલો ગઝલસંગ્રહ. મુશાયરાઓમાં 'વાહ વાહ' મેળવતા અશોકની રચનાઓમાં દમ પણ છે. અને એટલે જ એ પૂરી શ્રદ્ધાથી શબ્દનું મંદિર બનાવવા નીકળ્યો છે.
દેવી ગઝલના શબ્દનું મંદિર બનાવશું,
'બેદિલ'માં થોડું ઓગળો શ્રીફળ વધેરું છું.
     'બેદિલ'ની ગઝલોમાં મિલન, વિરહ અને એ સંદર્ભે આવતી વેદના તથા પ્રેમની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ જોવા મળે છે. ગઝલમાં એ સ્વાભાવિક પણ છે. એમાં ઉમેરાઈ છે એણે કરેલ ગઝલ સ્વરૂપની આરાધના. એ લખે છે :
તમે ઊભાં રહ્યાં પળવાર જ્યાં ચરણ બોળી,
ખીલી ગયો ત્યાં આખો એક બાગ પાણીમાં.
*
કાંઠા ઉપર ઊભાં રહ્યાં છે એ સજલ નયન,
મુજ લાશ પાણીમાં તરે છે શું સબબ હશે.
     જોકે, પ્રેમમાં તડપ સવિશેષ પ્રગટી છે, અવારનવાર અને અનેકરૂપે-
એ કારણે તો હાથ મારા લોહી લોહી છે,
મેં કાલ સપનામાં છબી તારી ઘૂંટી હશે.
*
કારણ વગર થતો નથી કૈં આમ ક્ષીણ હું;
તું આગ થૈ મળ્યા કરે ને હોઉં મીણ હું.
*
તું મને ભૂલી નહીં તો શું કરે પણ આખરે,
આંખમાં ક્યાં રેતના કણ કોઈથી સચવાય છે?
     જે ગઝલ પરથી સંગ્રહને શીર્ષક મળ્યું છે એ શે'ર....
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા :
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં?
     'બેદિલ'ની કેટલીક રચનાઓમાં ઈશ્વર, ખુદા ડોકાય છે, એમાં ભલે વિચાર નવો ન હોય છતાં રજૂઆત સારી છે :
માથું પટકે તોય 'બેદિલ' પ્રાર્થના નિષ્ફળ જશે,
મૂર્તિઓ શ્રદ્ધા વગરની ફક્ત પથ્થર હોય છે.
*
મંદિર વચોવચ એક માણસની થઈ કતલ,
ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.
     'બેદિલ' શહેરનો જીવ છે. સ્વાભાવિક જ એના પ્રશ્નો પણ નગરજીવનના જ હોય. વિચ્છેદ, એકલતા, કૃત્રિમ અને છીછરા સંબંધો અને હુલ્લડો, કોમી ઝઘડાઓ- આ બધું એની ગઝલમાં અલપઝલપ વણાયા કરે છે. લખે છે -
અલ્લાહ કે શિવ શિવ હજી જે જાણતા ન'તા,
સળગી ગયાં એ ભૂલકાં દંગાફસાદમાં.
     આ ઉપરાંત એક-બે રચનાઓમાં 'બાળપણ' ડોકાયા કરે છે :
હું ઇચ્છું કે લઈ મારી બધી સમજણ, મને આપો;
તમારે આપવું હો જો ખુદા બચપણ મને આપો.
*
નાવ કાગળની વહાવી જે નદીમાં આપણે,
એ નદીને આંખમાં રાખીને બચપણ સાચવું.
    
    આમ, અશોકની ગઝલોમાં વૈવિધ્ય છે. સ્વરૂપ પરની પક્કડ અને અવનવા રદીફ-કાફિયા પ્રયોજવાની એની સજ્જતા પણ સારી છે. વળી, કવિ માટે સતત જે અજંપો જોઈએ એ એનામાં વરતાય છે, લખે છે -
દહન કર્યા જ કરું રોજ લાગણીઓને,
હું મારી ભીતરે આખું સ્મશાન રાખું છું.
     આવા સ્મશાન રાખનારાંઓને સ્વાભાવિક જ રાખ ઊડતી રહેવાની, ચિનગારીઓ સળગતી રહેવાની. એને શબ્દમાં ઉતારવા એ સભાન પણ છે -
રઝળતી લાગણીઓ ઘર સુધી લવાઈ નથી,
ઘણા સમયથી ગઝલ એક પણ લખાઈ નથી.
     ન લખવાનો અફસોસ એને લખતો રાખે છે. હા, એ ખરું કે આ રચનાઓ પર એના તદ્દન નજીકના પૂર્વસૂરિઓની ઘેરી અસર છે. વિષયમાં, રજૂઆતમાં અને વિચારોમાં પણ. એનાથી ઉપર ઊઠીને આગવી દિશા પકડવી પડશે. નવી ક્ષિતિજને આંબવા મથવું પડશે. છેલ્લે ડૉ. ચિનુ મોદીને પસંદ પડેલ શે'ર :
તૂટી જશે ક્યારેક તો એ વાત વાતમાં,
બહુ સાચવીને શું કરો, આખર સંબંધ છે.
(શબ્દસૃષ્ટિ : જાન્યુઆરી, ૨૦૦૪)
* * *


0 comments


Leave comment