23 - નીકળી ગયો / અશોક ચાવડા 'બેદિલ'


મરજી મુજબ રસ્તામહીં એમ જ વળી ગયો;
પર્વત ઉપરથી ઊતર્યો ને ખળભળી ગયો.

વરસો સુધી દર્પણ મને ના ઓળખી શક્યું,
હું જાતને મારી સતત એવું છળી ગયો.

સૂરજ થવાનો ગર્વ સાંજે ના ટકી શક્યો,
આવ્યું તિમિર ને એ પછી પળમાં ઢળી ગયો.

હું જિંદગીથી આમ તો નારાજ ક્યાં હતો?
હાથે હતું વિષ એમનાં માટે ગળી ગયો.

ત્યારે બધાં 'બેદિલ' મને આવ્યાં વળાવવાં,
જ્યારે સફરમાં એકલો હું નીકળી ગયો.


0 comments


Leave comment