53.4 - આંસુ એટલે ઓગળી ગયેલાં દૃશ્યો / અશોક ચાવડા 'બેદિલ' / અંકિત ત્રિવેદી


કબૂલ થાય દુઆઓ જરૂરિયાત મુજબ;
મળે કદાચ વ્યથાઓ જરૂરિયાત મુજબ.
કદાચ હોય નહીં આંખમાં ખરા સમયે,
આ આંસુઓને વહાવો જરૂરિયાત મુજબ.
કરી ગયો છે બધું રાખ એકલો તણખો,
ફક્ત વહી'તી હવાઓ જરૂરિયાત મુજબ.
ઉદાસી, દર્દ અને આંસુઓ કદીક દગો,
બધાંને કામ હું આવ્યો જરૂરિયાત મુજબ.
દફન કરી ન શક્યું કોઈ લાશ 'બેદિલ'ની,
એ રોજ રોજ મરાયો જરૂરિયાત મુજબ.
(પૃષ્ઠ-૩) ('પગલાં તળાવમાં')

     મંદિરમાં ભગવાનની સામે માંગેલી બધી જ દુઆઓ કબૂલ થઈ છે ખરી? દુઆ માંગતી વખતે બોલાયેલા અવાજના પડઘામાં વ્યથાનો સૂર સંભળાતો હોય છે. આપણી બધી જ દુઆઓ કબૂલ થતી હોય છે. પણ, આ વાત વ્યથાઓ માટે એટલી સાચી નથી. વ્યથાઓ જરૂરિયાત મુજબની ક્યારેય લાગે છે ખરી? વ્યથાઓ એની રીતે જરૂરિયાત મુજબની હોઈ શકે છે. પણ, આપણને ક્યારેય વ્યથાની જરૂરિયાત પડવાની નથી છતાં તે આપણી સાથે જ હોય છે. વ્યથાનો વસવસો નથી. વ્યથાને કારણે ગઝલનો નશો છે.

    રડવાનું ભૂલી ગયેલા માણસો વચ્ચે જીવનારું આ શ્હેર છે. થોડા સમય પછી આંસુને પણ મ્યુઝિયમમાં સાચવવા પડશે. આમેય, કેટલીક પળ એવી પણ હોય છે જ્યારે આંસુ ન આવ્યા હોય અને અંદરથી રડવાનું શરૂ થઈ ગયેલું હોય. આંખની એક મર્યાદા એ છે કે તે દૃશ્યોને સાચવે શકે છે, પણ આંસુને સાચવી નથી શકતી. ક્યારેક એવું પણ થાય છે કે આંસુ એટલે બીજું કંઈ નહીં પણ ઓગળી ગયેલાં દૃશ્યો...!

    એક તણખો આખા ઘરને રાખ કરી શકે છે? તણખાને હવાનો સાથ મળે ત્યારે તંદુરસ્ત દીવાલોની તિરાડોમાંથી એકલતાનો ધુમાડો નીકળતો હોય છે. નાની અમથી વાત ક્યારેક એની વાતને લીધે નહીં પણ એ વાતને લીધે સાંભળી ગયેલાં વાતાવરણને લીધે મોટું સ્વરૂપ ધારણ કરે છે.

    કોઈક આપણને કામ આવે છે એનાં કરતાં આપણે ઘણાના કામમાં આવતા હોઈએ છીએ. (આવું દરેક જણ માનતા હોય છે. હકીકતમાં એ હોતું નથી.) ઉદાસી, દર્દ, દગો, આંસુઓ... આ બધાને જ આપણે જીવાડવાના હોય છે. બધા જ આપણો એમની જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે.

    શ્વાસ વગરનું શરીર મૃત જાહેર થાય છે. પણ શ્વાસ લેતા રહેવું એ જીવન નથી. ધીમે ધીમે ઝેર ચઢે એમ એક માણસ ધીમે ધીમે ખતમ થઈ જતો હોય છે. પછી લાશ દફન માટે નહીં, દર્દોને જીવાડવા માટે વપરાતી હોય છે.

    જરૂરિયાત મુજબ જીવવા માંગતો માણસ ધીરે ધીરે જરૂરિયાતને ઓળંગીને જીવવા માંડે છે. કોઈક એવું છે જે આપણને વાપરે છે જરૂરિયાત મુજબ... અને હા! આસ્વાદ પણ લખવો જોઈએ જરૂરિયાત મુજબ..!
('ગુજરાત સમાચાર' : ૭, એપ્રિલ ૨૦૦૪, 'ઝાકળ')


0 comments


Leave comment