1.4 - લોકગીતોમાં પશુસૃષ્ટિનું ભાવપૂર્ણ નિરૂપણ / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની
લોકગીતોમાં કેન્દ્રસ્થાને નારીસ્વભાવ હોય છે. નારીની પ્રકૃતિનો ખરો નિકટથી પરિચય કરાવવા માટે લોકગીતોમાં સીધી રીતે કશું કથન હોતું નથી. મોટેભાગે વિશેષણો-રૂપકોનો વિનિયોગ કરીને એ દ્વારા નારી-સ્વભાવનો નિર્દેશ કરવામાં આવતો હોય છે. નારીની તાકાતને નિર્દેશવા માટે નારીના વર્ણનમાં ઘોડીનું વિશેષણ-રૂપક અનેક સ્થાને પ્રયોજાયેલું દૃષ્ટિગોચર થાય છે. નારીના વર્ણનમાં અંબોડાનું ચોટલાનું વર્ણન કરવાનું હોય ત્યાં અંબોડો નરજાતિ-હોઈને એને માટે લોકગીતમાં પ્રયોજાયેલી પંક્તિ જુઓ :
તારા માથાનો અંબોડો રે,
જાણે છૂટ્યો તેજી ઘોડો રે....’
અંબોડાની ગતિશીલતા, તરલતાની સાથે તેજીલા તોખારને તુલનાવવાની-મૂકવાની કલ્પનામાં જ નાવીન્ય છે.
બીજા એક લોકગીતમાં પણ ઘોડીનું રૂપક નારીવર્ણન માટે પ્રયોજાયેલું દૃષ્ટિગોચર થાય છે તે જોઈએ :
‘ઘોડી અગન પગ માંડતી,
ઘોડી અજલે ચાલે ને મજલે ડગ ભરે
ઘોડી જઈ ઊભી જૂનાગઢને ચોક
વિવાહ આવ્યા ઢૂકડાં....’
લગ્નઉત્સુક યુવતીનું નારીનું વર્ણન કરવામાં રોકાવાને બદલે ઘોડીનું રૂપક પ્રયોજીને એ દ્વારા એનો તેજ, તરવરાટ, શક્તિ, વફાદારીપણું એમ કેટકેટલું અહીં સૂચવાઈ ગયું છે. મંઝિલની તરફ-ગૃહસ્થાશ્રમ એ જ જાણે કે નારી માટે મંઝિલ છે – અને એ તરફ ગતિ કરતી વરપ્રાપ્ત કન્યાનું આલેખન ભારે હૃદયસ્પર્શી છે.
બીજા એક લોકગીતમાં ચંપાવર્ણી, હંસાવર્ણી અર્થાત્ શ્વેત-શુભવર્ણવાળી લટકાવાળી મૃગનયની માટે અંતે નારી કે યુવતી એવું નામાભિધાન ન મૂકીને ઘોડી સંજ્ઞા પ્રયોજી છે. એણે ઘોડારમાં નહીં પણ ઓરડામાં બાંધવાની વિગતથી તથા ઘાસને બદલે નાગરવેલનું પાન નીરવાના નિર્દેશથી તથા એની સાથે કોણ પુરુષ જોડાશે એના આલેખનથી નારીનું વર્ણન ભારે કૌશલ્યપૂર્વક નારી વ્યંજનાથી થયું છે. એ લોકગીતનું ઉદાહરણ જુઓ :
‘ચંપા તે વરણીને મરઘા તે નેણી
ચાબૂકડે ઝગ હોય એ લટકાળી,
તેજણ હંસા તે વરણી....
કિયો ભાઈ ઘોડીને ઓરડે બાંધે
કિયો ભાઈ નીરે નાગરવેલ્ય, એ લટકાળી
તેજલ હંસાવરણી.....’
ઘોડીને આવા ઊર્મિભાવથી – માર્દવતાથી વર્ણવનાર કવિનું નારીહૃદય અહીંથી પ્રગટે છે. અથવા તો કોઈ નારીએ જ ગીત રચ્યું હશે. પશુસૃષ્ટિમાંના ઘોડીનાં સંદર્ભ દ્વારા નારીનું તેજીલું, તરવરાટવાળું, અથાક, ચપળ અને યુવા વ્યક્તિત્વ લોકગીતોમાંથી પ્રગટે છે તે અત્યંત આસ્વાદ્ય બની રહે છે.
ઘોડી ઉપરાંત સિંહણને પણ નારીનાં વર્ણન માટે ખપમાં લીધાનાં ઉદાહરણો મળે છે. નારીની કેડ્યના લાંકને સિંહણની સાથે વર્ણવતાં ઉદાહરણોમાં રા’ખેંગારે રાણકને જોઈને જે વર્ણન કર્યું તે અત્યંતજાણીતું છે. આવી પાતળી કેડ્યને લચકાવતી સિંહણ જેવી નારી માત્ર વર્ણન દ્વારા સિંહણ સાથે સમાનતા નથી ધરાવતી એની હિંસકતાનું પણ એ દ્યોતક છે.
એક બાજુ તેજીલી ઘોડી અને હિંસક સિંહણ સાથે નારીની દેહયષ્ટિને વર્ણવી છે જે માત્ર દેહયષ્ટિની નહીં પરંતુ પ્રકૃતિની પણ દ્યોતક જણાઈ છે. તો નારીની એકબીજા છેડાની પ્રકૃતિ ભય, બાઘાઈ, તરલતા અને ચંચળતા છે, આવી પ્રકૃતિને નિર્દેશવા માટે અનેક લોકગીતમાં હરણીનું રૂપક પ્રયોજાયેલું હોય એવા ઉદાહરણો પણ મળે છે.
‘ભાણા જેવડો ભાણ ઊગ્યો ડુંગર ખોરડે
આણી પેર ઊગેલા ભાણ, ઓણી પેરે હરણ્યું હળવે છે
હરણાં છોડીને મેલ, બળદ જોડયે રે કલોળિયા.’
બીજા એક લોકગીતની કડીમાં પંક્તિ આવે છે કે –
‘હરણીને છોડી મેલ મારા વીરા’
અહીં ખેતમજૂરીનું કામ બળદ પાસે કરાવવાનું હોય હરણાંની પાસે ન કરાવવાનું હોય એવું સૂચન છે, આલેખન છે, એમાં સંકેત છે નારીનો. બીજી પંક્તિમાં વીરાને હરણાંને છોડી મેલવાનું વિનવતી નારી, નારીની જ વકીલાત કરે છે. હરણાંના ઉલ્લેખથી નારીના એવા મુગ્ધ, સુંદર છતાં ફફડતા સ્વભાવનો નિર્દેશ થયો જણાય છે. હરણીની આંખોને, એની ગભરુ દોડને અને એના રૂપને પણ નારી સાથે અનેક લોકગીતમાં વણી લેવામાં આવેલ છે.
લોકગીતોમાં આવી રીતે પ્રાણીસૃષ્ટિ-પશુસૃષ્ટિનો વિનિયોગ અર્થસભર રીતે થયેલો જણાય છે. લોકગીતને આસ્વાદ્ય બનાવવામાં પણ એનો બહુ મોટો ફાળો હોય છે. લોકગીતના રચયિતાની કલ્પનાશક્તિના પરિચાયક એવાં આ વર્ણનરૂપકો- વિશેષણો – તાજપનો પણ અનુભવ કરાવતા હોઈને એનું મૂલ્ય વિશેષ છે. વર્ણન પાછળની ભૂમિકા મહત્વની છે. લોકગીતને આવા ગોપન નિરૂપણના અર્થ આગવું પરિમાણ બક્ષે છે. લોકગીતોને ચિરંજીવ અને અર્થપૂર્ણ બનાવવામાં પણ એનો ફાળો છે.
(ક્રમશ:...)
0 comments
Leave comment