2.1 - દૃશ્ય - ૧ / અંક ૧ / અંતિમ યુદ્ધ / ધ્વનિલ પારેખ


(પડદો ખૂલે ત્યારે મંચનાં મધ્યભાગમાં ભીષ્મ દૃશ્યમાન. ભીષ્મ પોતાનાં શસ્ત્રો એક પછી એક જોઈ રહ્યા છે.)

ભીષ્મ : આવતીકાલનો સૂર્ય ઊગશે કુરુક્ષેત્રમાં અને હસ્તિનાપુરનો સૂર્ય ? નથી જાણ. લાગે છે હસ્તિનાપુરનો સૂર્ય આથમવાની તૈયારી કરી રહ્યો છે. ભાઈ-ભાઈ વચ્ચેના કલહનું પરિણામ એટલે આ કુરુક્ષેત્ર. કેશવે શોધેલી આ નિર્દય ભૂમિ. બે શિબિરોમાં વિભાજિત થયેલું હસ્તિનાપુરનું લોહી કાલથી આ નિર્દય ભૂમિ ઉપર રેડાશે.

(ગંગાનો પ્રવેશ)
ગંગા : હસ્તિનાપુરને બે શિબિરોમાં વિભાજિત થતું અટકાવી શકાયું હોત, દેવવ્રત !
ભીષ્મ : પ્રણામ માતા ! આ સમયે અહીં ? કુરુક્ષેત્રમાં ?
ગંગા : તને પણ હવે સરિતા તટ કરતા કુરુક્ષેત્ર વધારે ગમે છે. એટલે... ઘણા દિવસોથી તારા દર્શન નહોતા થયા...
ભીષ્મ : કેમ, માતા આમ કહો છો ? મારાથી કશું....
ગંગા : ધનુષ્યનો ટંકાર કરી લીધો, દેવવ્રત ? પ્રત્યેક શરને ધાર કાઢી લીધી કે નહીં ? પ્રભાત થવાને હવે થોડી જ વેળા બાકી છે. હમણાં શંખનાદ થશે અને તું ફરી એક સેનાપતિની જેમ સજ્જ થઈ જશે. દેવવ્રત હું કવેળાએ તો નથી આવીને ? એવું ન બને કે મારી સાથે વાતો કરવામાં તારો સમય પસાર થઈ જાય અને તારાં શસ્ત્રો સજાવવાના બાકી રહી જાય ?
ભીષ્મ : ભીષ્મને હવે શસ્ત્રો સજાવવાની જરૂર નથી પડતી.
ગંગા : અને દેવવ્રતને ?

ભીષ્મ : કેમ, માતા આજે આમ વર્તો છો ? ભીષ્મથી કોઈ અપરાધ ?
ગંગા : એક માતા માટે એનો પુત્ર સદા પુત્ર જ રહે છે. એ સેનાપતિ કદી નથી બનતો. અને તું ? આટલું મોટું યુદ્ધ લડવા જઈ રહ્યો છે ત્યારે એક પણ વેળા તને એવું ન થયું કે માતાને પૂછી જોઈએ. તું મારાથી પણ મોટો થઈ ગયો, દેવવ્રત ?
ભીષ્મ : ક્ષમા કરો માતા, ક્ષમા. તમને ન પૂછ્યું એ માટે ક્ષમા. પણ યુદ્ધ કરવું કે ન કરવું એ નિર્ણય મારે કરવાનો નહોતો. મારે તો કેવળ આજ્ઞાનું પાલન કરવાનું હતું.
ગંગા : આજ્ઞા ? ભીષ્મને કોણ આજ્ઞા આપી શકે ?
ભીષ્મ : હસ્તિનાપુરનું રાજસિંહાસન અને એ રાજસિંહાસન સાથે જોડાયેલી આંધળી સત્તા. અને એની સાથે સંકળાયેલું મારું ઉત્તરદાયિત્વ.
ગંગા : તો શું ધૃતરાષ્ટ્રે તને આજ્ઞા આપી ?
ભીષ્મ : એ ક્યાં કોઈને આજ્ઞા આપી શકે એમ છે ? એનામાં જો આજ્ઞા આપી શકવા જેટલી સમજ હોત તો લાક્ષાગૃહની અગનજ્વાળાઓ હજી દઝાડતી ન હોત. દ્રૌપદીની ચીસો આ કુરુક્ષેત્રમાં પડઘાતી ન હોત !

ગંગા : સ્વીકારી લીધું કે ધૃતરાષ્ટ્રમાં સમજ નહોતી કે નથી. પણ તારામાં... ?
ભીષ્મ : માતા.... !
ગંગા : હા, દેવવ્રત સમજ તો મને તારામાં પણ નથી દેખાતી. જો તારામાં સમજ હોત તો ભલે, તું આ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર આજે ઊભો હોય પણ તારું શિબિર તો અલગ જ હોત.
ભીષ્મ : માતા, હું કશું સમજ્યો નહીં.
ગંગા : તારી સમજ આટલી કાચી પણ નથી, દેવવ્રત !
ભીષ્મ : તમારા કહેવાનો અર્થ એ છે, કે મારે દુર્યોધનના પક્ષે નહીં પણ....
ગંગા : યુધિષ્ઠિરના પક્ષે યુદ્ધ લડવું જોઈએ. કારણ કે ધર્મ ત્યાં છે અહીં નથી.
ભીષ્મ : માતા તમે આમ કહો છો ? બધું જાણો છો તો પણ ?
ગંગા : હું તો એટલું જાણું છું કે જ્યાં ધર્મ હોય ત્યાં મારો પુત્ર હોવો જોઈએ.
ભીષ્મ : જ્યાં ધર્મ છે ત્યાં જ તમારો પુત્ર છે માતા ! તમારો પુત્ર અધર્મનો સાથ તો કઈ રીતે આપે ?

ગંગા : મને તો નથી લાગતું. સંસાર જાણે છે, કે જ્યાં યુધિષ્ઠિર છે ત્યાં ધર્મ છે. સંસાર એને ધર્મરાજ તરીકે ઓળખે છે. અને સ્વયં વાસુદેવ એમના પક્ષે છે ત્યારે તું કઈ રીતે કહી શકે કે તું ધર્મના પક્ષે છે ?
ભીષ્મ : ધર્મ એ જ સત્ય હોય તો એ સત્ય વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોવાનું. હસ્તિનાપુર રાજસિંહાસનની કોઈ પણ ભોગે રક્ષા કરવી એ મારો ધર્મ છે અને એટલે જ હું યુધિષ્ઠિરના પક્ષે નહીં પણ દુર્યોધનનાં પક્ષે છું.
ગંગા : ભલે, દુર્યોધન અધર્મ આચરતો હોય તો પણ !
ભીષ્મ : મેં એને ઘણો સમજાવ્યો પણ હતો. વાસુદેવે જ્યારે પાંચ ગામની માગણી કરી હતી ત્યારે પણ મેં એને કહ્યું હતું, કે દુર્યોધન સ્વીકારી લે પાંચ ગામની માગણી. પણ દુર્યોધને મારી એક પણ વાત ન માની એટલું નહીં એ દુષ્ટ તો વાસુદેવને બંદી બનાવવા તૈયાર થયો હતો. અને હા માતા, મારે ક્યાં કશું કરવાનું હતું ? મારે તો કેવળ આજ્ઞાનું પાલન કરવાનું હતું.

ગંગા : એ આજ્ઞા મિથ્યા હોય તો પણ !
ભીષ્મ : હા માતા, હા.
ગંગા : કેમ દેવવ્રત, કેમ ?
ભીષ્મ : પિતાશ્રીને આપેલું વચન. એ વચનપાલન એ જ મારો ધર્મ.
ગંગા : દેવવ્રત, તારા વચન અને તારી પ્રતિજ્ઞાને કારણે જ તું આજે કુરુક્ષેત્રના એવા શિબિરમાં ઊભો છે કે જ્યાં કેવળ અધર્મ છે, કેવળ અધર્મ...

(ગંગા જાય છે. ‘કેવળ અધર્મ’ શબ્દો પડઘાતા રહે. ભીષ્મ ભૂતકાળમાં ખોવાતો જાય છે. અંધકાર.)


0 comments


Leave comment