62 - અરે શેખ, તારી આ મસ્જિદમાં પેસીને... / હરીશ મીનાશ્રુ


અરે શેખ, તારી આ મસ્જિદમાં પેસીને મયખાનું એનું બનાવી દઉં તો ?
લીલી દ્રાક્ષની આ દીવાલોમાં તારા ખુદાને હું જીવતો ચણાવી દઉં તો ?

થશે કૌતુકે મગ્ન પરભાતિયું પણ, પરોઢે આ કલબલતા કલમા સૂણીને
પયગંબરોનાં પરિંદાને અમથી ફરિશ્તાની પાંખો હું પહેરાવી દઉં તો ?

હતું મ્હોં પડેલું ને રૂંધાયલો કંઠ : કાસિદ, કશું સાંભળી નહિ શકેલો
હવે કાન સરવા કરીને એ ક્ષણને કટોકટ કલેજે હુલાવી દઉં તો ?

અજબ બેખુદીમાં હું ખોવાઈ જઉં ત્યાં જ ખુદમાં અચાનક ખુદાઈ જડે છે
હવે નિજમાં ખોવાયલા ખિજ્રને પણ સહજ સીધે મારગ ચઢાવી દઉં તો ?

પલકવારમાં તું ય પામી જવાનો બુલંદીના બારીકમાં બારીક અર્થો
તને તારી ભીતર સદા સિજ્દો કરતું કોઈ શાંત બુલબુલ બતાવી દઉં તો ?

હું કાફિર ખરો પણ નમાજીથી નમણો : ભરું જામ પર જામ ઝમઝમને કાંઠે
થશે શું તમારી કયામતની ક્ષણનું, કબરમાં હું મહેફિલ જમાવી દઉં તો ?

તમારો ચહેરો નીરખતાં જ હું તો, જુઓ, બૂતપરસ્તોમાં વટલાઈ ચાલ્યો
હવે કોહેતૂરની એ ટૂંકે ચઢીને ધજા ધોળી ગિરનારી ફરકાવી દઉં તો ?

કદી મુરશિદે ફૂંગરાવીને મુખને, નવો અર્થ આપ્યો’તો રહેમોકરમનો
ઈબાદતની એ પણ નવી રીત સમજો, હું મોંઢું જરાક જ ફૂલાવી દઉં તો ?


0 comments


Leave comment