3 - ભાગ – ૩ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


    બીજે દિવસે ડૉકટરનો ફોન આવ્યો : “રિપોર્ટ પોઝિટિવ છે.”
   “તો તો બહુ સારું, સાહેબ !” હું એકદમ હરખાઈ ગયો.
    “શું બહુ સારું ?” ડૉક્ટરે મૂંઝાઈને પૂછ્યું.
    “કેમ ? તમે કહ્યું ને, કે રિપોર્ટ પોઝિટિવ છે. રિપોર્ટ પોઝીટિવ હોય એ તો સારું જ ને ?”
    “તમે સમજ્યા નથી. મેડિકલ ફિલ્ડમાં રિપોર્ટ નેગેટિવ આવે તે સારું કહેવાય. રિપોર્ટ પોઝિટિવ હોય તેનો અર્થ એ કે રોગની હાજરી છે.”

    ‘પોઝિટિવ’ એટલે સારું અને ‘નેગેટિવ’ એટલે ખરાબ એવું મેં અનેક આધ્યાત્મિક લેખોમાં વાંચ્યું છે. જીવનમાં પોઝિટિવ વલણ દાખવવાનો ઘણો મહિમા છે. માતાપિતા, શિક્ષકો, વડીલો, હિતેચ્છુઓ – સૌ આપણે નાનાં હોઈએ ત્યારથી પોઝિટિવ વલણ કેળવવાની સલાહ આપતા રહે છે. આ ડૉક્ટર પણ મારા સ્નેહી ને પરમ હિતેચ્છુ છે. ને છતાં, મારું હૃદય પોઝિટિવ લક્ષણો બતાવી રહ્યું હતું એ સારું ન કહેવાય એમ કહેતા હતા. ! ‘પોઝિટિવ’ એટલે ખરાબ અને નેગેટિવ એટલે સારું એવું હું જીવનમાં પહેલી જ વાર સાંભળી રહ્યો હતો. આ બધું અમસ્થી પણ મર્યાદિત ગણાતી મારી સમજશક્તિની બહાર હતું. ડૉક્ટરને પણ એમ જ લાગ્યું હશે એટલે એમણે કહ્યું, “તમે રૂબરૂ આવો. બને તો ઘરનાને કોઈને સાથે લેતા આવજો. જોકે ચિંતાજનક કશું નથી.”

    લગભગ બધા ડૉક્ટરની એક વાત અદભુત હોય છે. એ આપણા રોગ વિશે આપણને જે કંઈ કહે છે તે બધું જ ચિંતાજનક હોય છે – માનસિક રીતે જ નહિ, આર્થિક રીતે પણ, અને છતાં દરેક ડૉક્ટર છેલ્લે અચૂક એક વાક્ય બોલે છે : ‘કશું ચિંતાજનક નથી’ એકવાર (લગભગ પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે.) મને કમળો થયો. ડૉક્ટરની મદદથી ને મારી બેદરકારીથી એમાં ઘણાં કોમ્પ્લીકેશન્સ થયાં. એટલે ડૉક્ટર મને મૃત્યુ માટે માનસિક રીતે તૈયાર કરવા માંડ્યા. એ મને રોજ કમળાના રોગ વિશે જુદીજુદી વાતો કરે. શરીરવિજ્ઞાન વિશે જાણવા હું સહેજે ઉત્સુક નહોતો તોપણ શરીરના બંધારણ વિશે, લીવરના કાર્ય વિશે, લીવર બરાબર કામ ન કરે તો કમળો કેવી રીતે થાય અને કમળામાંથી કમળી કેવી રીતે થાય અને કમળી થાય તો બચવાની શક્યતા કેવી નહીવત્ ગણાય વગેરે વિશે ડૉક્ટર મને વિસ્તારથી સમજાવતા. (મનુષ્યમાં જાતિપરિવર્તન થાય છે – નરમાંથી માદા થાય છે – એનો મને ખ્યાલ હતો, પણ મનુષ્યના રોગમાં પણ નરમાંથી માદા થાય છે – કમળામાંથી કમળી થાય છે – એ મેં તે વખતે જ જાણેલું.) પણ આ વિકરાળ મૃત્યુ સંદેશ પછી એક વાક્ય એ અચૂક કહેતા : “જોકે બહુ ચિંતાજનક ન કહેવાય.” અનેક વાર આ વાક્યનું શ્રાવણ કર્યા પછી એક વાર મારાથી એમને પુછાઈ ગયું, “હું મરી જાઉં એ બહુ ચિંતાજનક ન કહેવાય ?” મારા પ્રશ્નથી ડૉકટર થોડા ડઘાઈ ગયા ને ઝાઝા નારાજ થઈ ગયા. એ પછી એમણે મારી દવા કરવાનું છોડી દીધું અને છતાં – કદાચ એટલે જ – હું બચી ગયો. પણ ઉંમર વધતાં મારી સમજણ – ભલે ઉંમરના પ્રમાણમાં નહિ તોયે – થોડી વધી છે એટલે હવે ડૉક્ટરને મૂંઝવતા પ્રશ્નો પૂછતો નથી. આ ડૉક્ટર તો મારા મિત્ર, માર્ગદર્શક અને તત્વવેત્તાની ભૂમિકા ભજવી રહ્યા હતા. એટલે મને ચિંતામુક્ત રાખવા જ આમ કહેતા હતા એ હું સમજતો હતો.
* * *
    મારા યુવાન પુત્રને લઈને હું ડૉક્ટરને મળ્યો. ડૉક્ટરે કહ્યું, “જુઓ, ખાસ કશું ચિંતાજનક નથી. આપણે એક મહિનો દવા કરી જોઈએ – દવાથી સારું થઈ જશે એમ લાગે છે, પણ જો દવાથી ફેર ણ પડે તો આગળ શું કરવું તે વિચારીશું.”
    “આગળ શું કરવું પડશે ?” મેં પૂછ્યું.
    “મોટે ભાગે કશું નહિ કરવું પડે, દવાથી સારું થઈ જશે.”
    “પણ ધારો કે દવાથી સારું ન થયું તો ?”
    “જુઓ, પહેલી સલાહ – ‘આગળ શું કરવું પડશે તે વિચારવાનું જ નહિ – આગળ કશું જ નહિ કરવું પડે એમ જ વિચારવાનું. ઘણી વાર તો ‘આગળ આમ કરવું પડશે ને તેમ કરવું પડશે’ એવા ડરને કારણે જ હાર્ટ અટેક આવી જાય ને પછી અગ્નિસંસ્કાર સિવાય કશું કરવાનું રહે નહિ એમ બને. એટલે આગળની વાત ણ જાણવામાં જ લાભ છે.” હૃદયરોગની ચિકિત્સાનો પહેલો પાઠ ડૉક્ટરે સમજાવ્યો. બુદ્ધ ભગવાન કહેતા કે ‘મનુષ્યના દુઃખનું મૂળ અજ્ઞાન છે.’ જ્યારે ડૉક્ટર કહેતા હતા કે ‘જ્ઞાન દુઃખનું મૂળ છે.’ પણ અત્યારે બુદ્ધ ભગવાનનું કહ્યું માનવા કરતાં ડૉક્ટરનું કહ્યું માનવામાં વધુ સલામતી હતી એટલે મેં ચર્ચા ન કરી.

    “તમારે કોલેસ્ટરોલ ઘટાડવાનું છે અને ઘટ્યા પછી ફરી ન વધે એની કાળજી લેવાની છે. એટલે લો કેલરી ડાયેટનું ગોઠવો : ઘી બંધ – તેલ સફોલાનું અને તે પણ ઓછું – દૂધ મલાઈ વગરનું અને તે પણ ૫૦૦ ગ્રામથી વધુ નહિ – દૂધ ખાવ, દહીં ખાવ કે છાશ ખાવ – બધું ૫૦૦ ગ્રામમાં આવી ગયું – કાચાં શાકભાજી ને ફળો વધારે ખાવાનાં – દિવસમાં વધારે વાર ખાવાનો વાંધો નહીં – પણ પેટ ઠાંસીને નહિ ભરવાનું – દરરોજ ૪૦ મિનિટ ચાલવાનું. દિવસ દરમિયાન ઓછું બોલવાનું ને મોટેથી તો નહિ જ બોલવાનું – વજન નહિ ઊંચકવાનું – ટેન્શન નહિ રાખવાનું – બને એટલો આરામ કરવાનો.” ડૉક્ટર એકીશ્વાસે બોલી ગયા. એ પછીની સૂચના બોલી રહે ત્યા સુધીમાં હું આગળની સૂચના ભૂલી ગયો હોય એવું થવા માંડ્યું. – પણ જો ડૉક્ટરને વચ્ચેથી અટકાવી હું સૂચનાઓનું રી-પ્લે કરાવીશ તો એ પોતે એકાદ-બે સૂચનાઓ ભૂલી જશે એ બીકે મેં એમને અટકાવ્યા નહિ – જતી વખતે સૂચનાઓ ઉતારી લેવાનો નિર્ણય કર્યો. પણ ડૉક્ટરની છેલ્લી સૂચના – “બને એટલો આરામ કરવાનો” – સાંભળી મારા બત્રીસે કોઠે દીવા થઈ ગયા ! યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી આપણા કવિએ પ્રિયાને ઝંખી હતી એ જ ઉત્કટતાથી મેં આરામને ઝંખ્યો છે. પણ ઝંખેલી પ્રિયા અને ઝંખેલો આરામ મળવાં દુર્લભ છે – આ જગતમાં. આમ છતાં, કોઈ કોઈ સદભાગીને ઝંખેલો આરામ પણ મળી જાય છે. આવા સદભાગીઓની યાદીમાં મારું નામ ઉમેરવા બદલ મેં ઈશ્વરનો આભાર માન્યો.

    ઘેર આવીને મેં ખાવાની પરેજીની અને નિયમિત ચાલવા જવાની ડૉક્ટરની સૂચનાની વાત એકદમ ટૂંકમાં કહી, પછી સમાપન કરતાં હર્ષાવેશમાં કહ્યું, “પ્રિયે ! ડૉક્ટરે મને બને એટલો આરામ લેવાનું કહ્યું છે.”

    “એ તો ડૉક્ટરે નહોતું કહ્યું ત્યારે પણ તમે એમ જ કરતા હતા ને ! પરણીને આવ્યા પછી મેં તમને ઘરમાં આરામ કરવા સિવાય કશું કરતાં જોયા હોય એવું યાદ નથી.” પત્નીએ મારા સમગ્ર ભૂતકાળને એક જ વાક્યમાં વર્ણવી દીધો.

    “તારી વાત સાચી છે, પણ છેલ્લા કેટલાક વખતથી મને થતું હતું કે આ સારું ન કહેવાય. તું આટલું બધું કામ કરે ને હું માત્ર આરામ કર્યા કરું એ ઠીક ણ કહેવાય – એની પ્રતીતિ મને થઈ ચૂકી છે. પણ હવે હૃદયની ભાવના હૃદયમાં જ રહેશે એવું લાગે છે.” મેં ગળગળા અવાજે કહ્યું.
     “શેની ભાવના ?”

    “તને નીચેથી પાણીની ડોલ લાવતી જોઈને હમણાં-હમણાંથી મારું હૃદય ભરાઈ આવતું હતું એટલે કમૂરતાં ઊતર્યા પછી તને પાણી લાવી આપવાની ભાવના મારા હૃદયમાં જન્મી હતી, પણ ડૉક્ટરે વજન બિલકુલ ણ ઊંચકવું એવી સલાહ આપી છે એટલે તને પાણી લાવતી જોયાનું દુઃખ મારે કાયમ ભોગવવું પડશે એવું લાગે છે; એટલું જ નહિ, પાણીનો પ્યાલો ભરી લાવવાનું તને કહેવાનું પણ ચાલુ રાખવું પડશે. બીજું મને એમ હતું કે હું દરરોજ તને ગાદલાં પાથરી આપીશ, પણ અફસોસની વાત એ છે કે બને ત્યાં સુધી ઓશીકું પણ ન ઊંચકવું એવી ડૉક્ટરની સૂચના છે – એટલે લાચાર છું. જોકે હૃદયમાં ભાવના હોય એ જ મોટી વાત છે, નહિ ?” હું હૃદયપૂર્વક આ કહી રહ્યો હતો એમ મને લાગતું હતું. પત્નીને પણ એમ લાગે છે કે નહિ તે જાણવાની મારી ઈચ્છા હતી, પણ પૂછવાની મારી હિંમત ચાલી નહિ. એકાદ મિનિટના વિરામ પછી પત્ની બોલી, “ખરે જ તમારી આવી ભાવના હોય તો ઓફિસેથી આવીને કચુંબર સુધારી આપજો.”
“હેં ?” મારા આરામ પર તોળાઈ રહેલાં ભયથી હું ભયભીત થઈ ગયો પણ પછી બીજી જ પળે બાજી સંભાળી લેતાં મેં કહ્યું, “ઓફિસેથી આવીને કશું પણ ન કરવાની ડોક્ટરની કડક સૂચના છે.”

    પત્નીને લાગ્યું કે મને આરામમાંથી ચળાવવો એ કોઈ મહાન તપસ્વીને તપમાંથી ચળાવવા જેવું અઘરું કામ છે. એટલે એણે આગળ ચર્ચા કરવાનું માંડી વાળ્યું. એ કામે વળગી અને મેં આરામ ફરમાવ્યો.
* * *
    સ્વભાવે હું ભોજનપ્રિય વ્યક્તિ છું. (‘ભોજનપ્રિયોમાં હું રતિલાલ બોરીસાગર છું’ એવું ભગવાને ગીતામાં જરૂર કહ્યું હશે, પણ કોઈ તબક્કે લહિયાની ભૂલને કારણે એ નીકળી ગયું લાગે છે.) જ્યોતિષજ્ઞ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કિરોની રાશિલક્ષણનાં વર્ણનની ચોપડીમાં પણ મારી ભોજનપ્રિયતાનું સમર્થન મળે છે. અમારે ઘેર પહેલેથી તેલમસાલાથી ભરપૂર રસોઈ બનતી. હૃદયદ્વાર પર રોગે ટકોરા માર્યા ત્યાં સુધી આ ઉજ્જવળ પરંપરા ચાલુ રહી. અમારે ત્યાં શાકમાં તેલ નાખવામાં નહોતું આવતું, પણ તેલમાં શાક નાખવામાં આવતું હતું. પહેલાં તો લાલ મરચાંની બાબતમાં પણ એવું હતું. થોડા વખત પહેલાં ‘ધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’વાળી સીરિયલમાં એક માણસને લીલાં મરચાં ખાવાનો રેકોર્ડ સ્થાપતાં જોયો હતો. કેટલાંક વર્ષો પહેલાં મને હરસ થયો હતો એ કારણે મરચાં સાથેનો મારો ઋણાનુબંધ પૂરો થઈ ગયો. નહિતર દુનિયામાં સૌથી વધુ તીખું ખાવાની બાબતમાં વિશ્વવિક્રમ નોંધાવવા મને જરૂર કમર કસી હોત ! તેલ માટે સંસ્કૃતમાં ‘સ્નેહ’ શબ્દ વપરાય છે. તેલ દ્વારા રસોઈ કરનારનો જમનાર પ્રત્યેનો સ્નેહ પ્રગટ થાય છે તેથી તેલ માટે સંસ્કૃતમાં ‘સ્નેહ’ શબ્દ પ્રયોજાયો એમ વિદ્વાનો માને છે; બધાં વિદ્વાનો ન માનતા હોય તો પણ હું તો માનું જ છું. ‘સ્નેહસબંધ’ પૂરો થવાનો સમય આવી ગયાનું જણાતાં હું થોડો ખિન્ન તો થયો જ. હવેથી સફોલાનું તેલ વાપરવાનું હતું – અને તે પણ ઓછા પ્રમાણમાં. આમેય સફોલાનો ભાવ ખિસ્સા પર ફફોલા પડી જાય એવો છે એટલે આ તેલ ઝાઝું ખાવાનું તો શક્ય જ નથી ! જોકે હવે આ રીતે વિચારવાનું જ ઉચિત નહોતું. હવે તો કવિ કાન્તનાં ખંડકાવ્ય ‘વસંતવિજય’ના પાંડુની પેઠે ‘જીવન શું, જગત શું, તપ એ જ સાથી !’ એવો ભાવ હૃદયમાં ઉતારવાનો હતો – તો જ હૃદય ચાલતું રહેવાનું હતું – જો ‘સ્નેહવિજય’ થયો તો પાંડુની જેમ મૃત્યુ નિશ્ચિત હતું.

    ઘી કે મિષ્ટાન્ન પરત્વે તો મારું ઝાઝું મમત્વ જ નહોતું એટલે એનો વિયોગ મને ઝાઝો સાલે એમ નહોતો. પણ કાચાં શાકભાજી ખાવાનું થોડું કઠિન અવશ્ય હતું. પરંતુ પ્રાર્થનાની એક ચોપડીમાં મેં વાંચેલું કે ‘મારા સંજોગો હું બદલી ણ શકું, પણ એની પરત્વેનો મારો અભિગમ અવશ્ય બદલી શકું.’ કાચાં શાકભાજી ખાવાનું મારા માટે અપરિહાર્ય હતું પણ એની પરત્વેનો મારો અભિગમ મેં બદલ્યો. મેં વિચાર્યું કે કાચાં શાકભાજી અને ફાળો એ તપસ્વી અને ઋષિઓનો આહાર ગણાય. જ્ઞાન અને તપના પરિપ્રેક્ષ્યમાં ઋષિજીવન જીવવાનું મારા માટે અશક્યવત્ હતું, પરંતુ કાચાં શાકભાજી અને ફળફળાદિનો આહાર કરી ઋષિપદ પામવાનું શક્ય હતું. આવું વિચાર્યા પછી મને જરી સારું લાગ્યું અને કાચાં શાકભાજી ગળે ઉતારવાની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો.

    દરરોજ ચાળીસ મિનિટ ચાલવાનું મારા માટે થોડું કષ્ટદાયક અવશ્ય હતું. હૃદયની કશી તકલીફ નહોતી ત્યારે પણ નિયમિત ફરવા જવા અંગે કેટલીક વાર મેં ગંભીરતાથી વિચારેલું, પરંતુ એ વખતે પણ મનમાં વિચારો જ ચાલેલા – ધરતી પર ચરણ નહોતાં ચાલ્યા. સવારે ચાલવા જવા માટે વહેલાં ઊઠવું પડે. ‘અકાળે ઊઠવું એ અકાળે મરવા જેટલું વસમું છે’ એવું એક વાક્ય, શાળામાં ભણતો ત્યારે, અકાળે ઊઠીને મેં વાંચેલું. અકાળે મરવાનું આવે તો એમાં આપણું કંઈ ચાલતું નથી, પણ અકાળે ઊઠવું કે નહિ એ આપણા હાથની વાત છે. નિદ્રાનું પરમ સુખ જેમના ભાગ્યમાં નથી એવા કેટલાક દુર્ભાગી જીવાત્માઓને બાદ કરતાં મોટા ભાગનાં લોકો અકાળે ઊઠવાનું પસંદ કરતાં નથી. એટલે મારે ચાલવાનું હોય તો સાંજે જ ચાલવા જવું જોઈએ એમ મને એક કરતાં વધારે વાર લાગ્યું હતું. સલૂણી સંધ્યા ખીલી હોય, પક્ષીઓ પોતપોતાના માળામાં પાછાં ફરતાં હોય, ધીમેધીમે છટાથી મૃદુ કુસુમરજ લઇ ડોલતો વાયુ વાતો હોય એવા વાતાવરણમાં આ અવનિપટ પરના દરેક મનુષ્યે ફરવા જવું જોઈએ એવું સૈદ્ધાંતિક દૃષ્ટિએ હું ઘણાં સમયથી માનતો હતો. કોઈકોઈ વાર ફરવા જવા માટે જ કપડાં બદલ્યાં હોય એવું પણ બન્યું હતું. એક-બે વાર તો નીચે ઊતરેલો એવુંય યાદ છે. પણ પછી કાં તો કોઈ ને કોઈ આવી જવાને કારણે કે કશુંક અગત્યનું કામ યાદ આવી જવાને કારણે ક્યારેય ફરવા જઈ શક્યો નહોતો. જોકે પછી ‘ચરણકમલને કષ્ટ આપું એવું પરમ કૃપાળુ પરમાત્મા ઈચ્છતો નથી; નહિતર હું ફરવા જવા નીકળું એ વખતે જ કોઈ કેમ આવી ચડે કે એ જ વખતે કશુંક કામ શા માટે યાદ આવે ! પરમાત્માની ઈચ્છા અવગણનારો હું કોણ ? – ‘આવું આવું વિચારી આજ સુધી હું ક્યારેય ફરવા નહોતો ગયો. પણ હવે તો હૃદયની આજ્ઞા હતી. ન્હાનાલાલ કવિની એક પંક્તિ છે – ‘હૃદયની આજ્ઞા એક ને ચરણનાં ચાલવાં જુદાં !’ મારા ચરણોએ તો હૃદયની આજ્ઞા અનુસાર જ ચાલવાનું હતું. એટલે મેં બીજા જ દિવસથી ચાલવા માંડ્યું. ચાલવાના સમયગાળામાં ચોકસાઈ જળવાઈ એ માટે નવું ઘડિયાળ પણ ખરીદ્યું.

    હૃદયરોગના અનુકાર્યમાં મારે માટે ખરું પડકારરૂપ અનુકાર્ય ઓછું બોલવું ને ધીમે બોલવું એ હતું. વાણી પરમાત્માનું મનુષ્યજાતને મળેલું અજોડ વરદાન છે. આ વરદાનનો મારા જેટલો છૂટથી ઉપયોગ કરનારાં મનુષ્યો આ જગતને વિશે ઘણા ઓછાં હશે એમ હું જ નહિ, મને ઓળખનારા બધાં માને છે. (મારી સાથી બીજા બધા જ સંમત હોય એવી કદાચ આ એક જ બાબત છે !) હું એકલો એકલો બોલતો હોઉં એવી સ્થિતિ – જોકે હજુ આવી નથી – પણ ગમે ત્યારે આવી શકે એમ છે. મારા ઉપરાંત બીજી વ્યક્તિ મળે એટલે ‘સ્પીકર’ હું જ હોઉં છું ! પૃથ્વીતલના કોઈ પણ વિષય પર હું વાત કરી શકું છું – અધિકારપૂર્વક વાત કરી શકું છું. હું જે વિષય પર વાત કરું છું તે વિષયનું મારું જ્ઞાન ઝાઝું હોય છે એવું નથી, પણ છટાદાર અને અસ્ખલિત વાક્યપ્રવાહથી દુનિયાભરનાં વિષયોનું મારામાં જ્ઞાન છે એવી છાપ હું પાડી શકું છું. મારા પોતાના જીવનમાં જે પ્રશ્નો હું હલ કરી શક્યો નથી તે પ્રશ્નો વિશે મેં મિત્રોને, સ્વજનોને વારંવાર માર્ગદર્શન આપ્યું છે – માર્ગદર્શન લેવા તેઓ ઉત્સુક ન હોય તોપણ આપ્યું છે. મારી સલાહ પ્રમાણે ચાલવાને કારણે કેટલાંકને માઠાં પરિણામોનો સામનો કરવો પડ્યો છે તે ખરું, પણ આવા કારણસર મારો ઉત્સાહ ક્યારેય મંદ પડ્યો નથી.

    હું બહુ બોલું છું એટલું જ નથી – હું બહુ મોટેથી પણ બોલું છું. નાનપણમાં હું માઈક ગળી ગયો હોઈશ એવી મજાક પણ મારા પરિચિતોમાં પ્રચલિત છે. નાટકના વિષય પર પીએચ.દી. કરનાર મારો એક મિત્ર પૂર્વજન્મમાં હું જૂની રંગભૂમિનો નાયક હોઈશ એમ માને છે. આમ છતાં, હૃદય ચાલતું રહેશે તો જ જીભ ચાલતી રહી શકાશે એમ લાગવાથી જીભને થોડા સમય વિશ્રામ આપવાનો કઠોર નિશ્ચય મેં કર્યો.
(ક્રમશ...)


0 comments


Leave comment