2 - પાંગથ / રાજેશ વણકર


    રઘલામાંથી રઘુ અને પછી રઘાજી બન્યો ત્યારે તો એ આખાય ગામને બહુ જુદી જ માટીનો લાગવા માંડ્યો ને બધાય એને જ પેંગડે પગ નાખવા તૈયાર થવા માંડ્યાં. ખાસ કશું બન્યું નહોતું પણ, કૉલેજમાં ભણતા ભણતા કોઈ શિબિરમાં ગયા ને પછી તો બધું કાકાને સોંપીને નીકળી ગયા. મહિનાઓ સુધી ના દેખાયા. આવ્યા એવા જ પરણ્યા. કાકાનો આધાર છોડીને જુદું ઘર માંડ્યું. ગામમાં પહેલી વહેલી ટીવી લઈ આવ્યા એ તો ઠીક; પણ ભૂકંપની વરસીના દહાડે ધરતી માતાના પૂજનનો કાર્યક્રમ પંચાયત ઓફિસે જ ગોઠવ્યો. ગામ ભેગું કર્યું મોટું ભાષણ કર્યું ભારત ભૂમિનું મહત્વ સમજાવતા ‘ભાગુ તો મારી ભોમકા લાજે ને ભૉરિંગ ઝીલે ના ભાર..." મોટા અવાજે ગાયું બસ ત્યારથી “પુસો રઘાજીને” એવો વહેવાર ચાલ્યો, ઝઘડો હોય, નવું કંઈ કામ લેવાનું હોય કે કોઈના ઘરની જોડ-તોડ હોય, રઘાજીને ખાસ પાથરણામાં રખાતા. એમનું પતરાળું દરેક અવસરે કમાડની બાજુમાં જ પડે. ગામના વંઠેલ છોકરાંના મા-બાપ, પોતાના છોકરાને એમની પાસે શીખ લેવા મોકલે.

    ગામના યુવાનો જ્યારે પાવાગઢ સાયકલ પ્રવાસ લઈને નીકળ્યા ત્યારે પણ રઘાજીની ટકોર હતી જ કે -
    - આ પાવાગઢ-બાવાગઢ તો ભઈ બહુ નાનો ડુંગર એમાં શું ફરવાનું? ને વલસાડ બાજુ ફરી આવેલા પેલા મોટેરાઓનેય રઘાજીએ બહું આસાનીથી સંભળાવ્યું.

    - અરબ સાગરમાં શું જોવાનું ? મેંઠાના ઢગલાને માછણોના ઘાઘરા ! હા હા હા હા.... મોટેથી હસી પડતા ને વાતમાં કુબેર ડોસાને ખેંચતા.
    - હાચું ને કુબેરકાકા ? ? ને ડોહો હોંકાની ન્હે મોંમાંથી કાઢતોકને ડોકું હલાવતો. ભલે કશું ના સમજાય તોય.

    - તમે પેલા હોડલા કો છો એય નાની હોડીઓ જ હોં શકરા. અને એક મોહક નજર ફેરવતા રઘાજી ખેતર તરફના નેળીયે વળી જતા.

    સૌથી વધુ વહાલી એમને મન ભારતીય સંસ્કૃતિ. સાંજે ખાઈ પરવારીને બધાં ઓટલે બેઠાં હોય, હોકા બીડીઓ ફરતી હોય ત્યારે આજ વાત એમના મોઢે હોય.

    - આ મોબાઈલ, ટી.વી. ને વિમાનો તો કશુંય નથી રમણભઈ.
    - પણ રઘાજી તમે મારી હાહુનું આ બધું કંઈ નઈ તો છે શું તમારા મનમેં એ કો તો ગમ પડે ને !
     કોઈ જુવાનીયો આવતી ગાળને દબાવી ઉપર આવા શબ્દો ફેરવી વાળતો.
    - સાંભળો.
    કહેતામાં તો એ સિગારેટ સળગાવે એટલામાં બીજા બે ચાર આવીને ગોઠવાય. દુર બેઠેલી સ્ત્રીઓના કાન પણ સરવા થાય. છીંકણીનો સડાકોય ક્ષણેક થંભે. ને રઘાજી ટટ્ટાર થઈને ખોંખારા સાથે વાત ઉપાડે.

    - આ મહાભારતનું યુદ્ધ ચાલું થયું ત્યારે આંધળા ધૃતરાષ્ટને બધી વાતો કોણે જણાવી એ ખબર છે કોઈને ?
    - ના હાળુ એ તો.... કોઈ જીજ્ઞાસુ ટાપસી પૂરાવે ને રઘાજી ચમત્કાર કરવાના હોય એમ બધા શાંત થઈ જતા.

    તો અટકી ગયેલી સિગારેટ રઘાજી ક્યારે નાખે ને પોતાના મોઢામાંથી પડતું લાળ એમાં ક્યારે ભળી જાય એની રાહ જોતો કોદર સિગારેટને પણ ભૂલી જાય. ને રઘાજીની વાતનો આખોય રંગ મહોરી ઉઠે.

    - અહીં જ તમે અધુરા છો. આટલા માટે જ તમને મોબાઈલ ને ટી.વી. બધું જ નવાઈ જેવું લાગે છે. પણ, સાંભળો સંજય નામના કૃષ્ણના સૈન્ય સેનાપતિએ યુદ્ધની આખીયે હકીકત રાજમહેલમાં બેઠાબેઠા વગર ટી.વી.એ ધૃતરાષ્ટને બતાવી. બોલો હવે હજારો વરસ પહેલાની આ ઘટના આજના ડબલા કરતાં કેટલી મોટી કહેવાય ?

    ભેગા થયેલા એ દશ પંદરેય જણ આ નવી વાતથી ચોંકી ઉઠતા અને - હા, હાસું હાસું ! એમ ડોકા હલાવતા ગણગણી ઊઠતા, તો રઘાજી બીજી સિગારેટ સળગાવી ઉંડો કસ ખેંચી હવામાં ધૂમાડાના ગુબ્બારા છોડતા.

    કોદર વાતમાંથી બહાર આવી ઠુંઠામાં રમમાણ બની જતો. રઘાજીની નજર એના પર મંડાતાં વળી નવી વાત ઉપાડતા.

    - અને આ ભીલડાંનું એઠું રામ ખાય એ ખોટું હોં. તો સીતાજી પોતાનાં પતિનો અત્યાચાર સહન કરે અને અગ્નિ પરીક્ષા આપે પણ રામનું શું ? એ વનમાં ઘણું રખડેલા એનું કંઈ નઈ ?

    દૂર બેઠેલી સ્ત્રીઓમાં ગૂસ-પૂસ શરૂ થતી.
    રઘાજી કાન માંડતા પણ પોતાની આસપાસના લોકોની ચર્ચાના અવાજમાં પેલા અવાજો ભળી જતા એના કારણે એ અવાજ ન પકડાતો. એટલામાં ઘરેથી બૂમ પડે ને એ ઘર તરફ ચાલવા માંડતા. કોદર ઠુઠા માટે પાછળ થોડે લગી જતો રઘાજી ઓટલીએ બેઠેલાં કાશી કાકીની બાજુમાં દબાયેલી નવી વહુ પર નજર માંડતાં પૂછતા.

    - કેમ કાશીકાકી ઘઉં કેવા’ક ફાલ્યા છે હમણાંના ?
    અમેરિકા ઈરાકના યુદ્ધ વખતે ગામમાં ચર્ચા ચાલેલી કે-પેલો કુણ.... કે સે કે બુશ નોંમનો કોક ઈરાકને ની, પણ એના રાજા સદોંમ પર અકરાયો સે ને કંઈ સેના ઉતારી સે... સેના ઉતારી સે રઘાજીને તોં ટી.વી.મે જોયું હોય તો મડદાંના ઢગલે ઢગલા. ... ને બધું હરગાવેય સે પાર વગરનું...

    ખેતરમાં ભાથું લઈને મોડા પડેલા લબર મુછિયાને એના મોટા ભાઈએ ખખડાવ્યો.
    - શું કરતેલો લ્યા આ પેટમેં હનમોન હઢિયો કાઢે તો હુંદી.
    - શું વાત મોટા તમેય, પેલો ઈરાક-અમેરિકાનો ઝગડો નહીં સાલતો કે સે કે ભારતવારા પણ વચ્ચે પડવાના સે.

    ભાથા પરનો રૂમાલ છોડતાં. લીંમડા નીચે બેઠેલા મોટા ભાઈને કારણ આપતા કહ્યું.
    - નકોંમા શું કરવા બધાય વચ્ચે પડી મરતા અશે.

    ગાગરમાંથી પાણી કાઢી હાથ ધોતા મોટા ભાઈએ કહ્યું.
    - મોંત આઈ રયું અશે તાણે જ ને, ઘો મરવાની થાય એટલે વાઘરીવાડે જાય.

    - પટેલ, શેની ઘો અને શેનો વાઘરી વાડો ચાલે છે. બે ભાઈ વચ્ચે બાજુના ખેતરમાંથી આવતા રઘાજીએ ત્યાં જ જમાવ્યું.
    - આ આઈ જ્યા રઘાજી એમને જ પુસો.

    લબર મુછિયાને આમાં બહુ રસ; બળદને ટાંગી ને સીધો રઘાજી સામે ગોઠવાયો કો રઘાજી પેલું ભારત વચ્ચે પડ્યું સે એનું શું થશે ?

    - અરે ! ભારત ? એ કંઈ જેવું તેવું પગલું ના ભરે ભઈ ! આ લોકો પાસે તો આજે એક ચાંપ દબાવે ને હજાર ગોળીઓ છૂટે એવી બંદૂકોને તોપ છે. પણ આપણા મહાભારત કાળમાં તો એક જ તીરમાંથી લાખો બાણોનો વરસાદ વરસતો.

    રઘાજીની વાત સાંભળવા અને બીડી પીવા આવેલા પેલા બે ભાગિયા પણ આ ભાઈઓ સાથે ‘હા ભઈ’ 'હા ભઈ’ કરી ઉઠયા રધાજીએ સિગરેટ સળગાવીને ઉદાહરણોય આપ્યા. દ્રોણના ત્રણ લાખ બાણ એકમાંથી જ થતાં અર્જુનના એક લાખ થતાં તો કર્ણના પણ એક લાખ – કેટલાક તો કાકરીઓ ગોઠવીને બાણોના સરવાળાને સરખામણી કરવા બેસી ગયા છેક ત્રીજા ખેતરમાં મજુરીએ આવેલો કોદર પણ વાત સાંભળવા ને ઠૂંઠાની લાલચે દૂર હરેડીના ધૂગા નીચે આવી ગોઠવાયો. બીજે દહાડે તો આ વાતો ઘેર ઘેર ફરવા માંડી. પણ કેટલાક જવાનીયા રઘાજીને ગાંડામાંય ખપાવવા માંડયા.

    - ઓ ભઈ, આ બધી વાતો હાચી પણ આજકાલ લોઢામથી ને કાગરમેથી કરામતો કાઢી સે એનું શું ?
    આ વાત રઘાજી સુધી પહોંચી પણ રઘાજીનો જવાબેય રોકડો હતો.

    - આ આજ કાલના પેપરોં વાંચનારા શું જાણે ? એમને કો આપણા પૂરાણો વાંચે તો સમજાય, પહેલાં મંત્રથી કામ થતું હવે યંત્રથી થાય છે. એટલો જ ફેર છે. આવો બદલાવ તો હોય જ. સતીયુગ પછી ત્રેતા યુગ પછી દ્વાપર ને આ કળીયુગ. પણ આપણા ઋષિઓ ને રાજાઓની તો વાત જ જુદી. અત્યારે યંત્રો આપણા જેવા માણસ ચલાવે.

    - પણ મંત્ર તો ‘ગાંઠે ગરથ’ ખેતરમાં ઓરીએ ને ફૂટી નીકળે એમ બોલ્યા એટલે ફતેહ. વિધિંગ સેકન્ડ
    કોદર વિચારતો
    -સતયુગમાં સિગારેટેય મંત્રથી બનતી અશે કે શું ?
    પણ બધા તો રઘાજીના ખુલાસાથી જ ખુશ હતા.

    કેટલાકે તો રઘાજી પાસે વારંવાર બોલાવીને ગોખી લીધું. ‘વિથિંગ સેક’ ‘વિથિંગ સેગ’.
    આવી વાતો ચાલતી હતી એવામાં જ દશેક દિવસ પર રઘાજી ગુસ્સે થયા. ફળીયામાં નીકળીને બેફામ બોલવા લાગ્યા.
    - હાળો, મારાં જ ઠુંઠા વીણી ખાઈને મારા જ કામમાં ભલેવાર ના લાવ્યો એની માને રાખુ.... એની છોરીને જ....

    રઘાજીના મોઢે આવી નવી જ વાતો સાંભળનાર માટે મોટું આશ્ચર્ય હતું.
    ત્યાં તો કોઈની સ્ત્રી વાડામાંથી રઘાજીના ઘેરેથી વાત જાણી લાવ્યું કે રઘાજીના ઘરમાં બિલાડી મરી જી સે, અને કોદરને હવારનું કેવડાયું સે પણ આયો નહીં એનું આ બધું તોફોંન સે.

    - પણ કોઈ રઘાજીને ટાઢા તો પાડો
     કોઈ વડીલ કે 'તા.
    તો કોઈ કોદરો આ જ દાવનો હતો એમ કેવા માંડયાં. વારે-તેવારે આટઆટલું લઈ જાય સે ને કોમ ના કરે તો થઈ રહ્યું આવવા દો કોદરાને.
    - કોઈ વળી કાલે ઉઠીને મારા ઘેર આવું કરે તો ! એ અંદાજે ગુસ્સે થયા.

    બે દિવસ પછી જ્યારે કોદર આવ્યો ત્યારે ઘરમાંની ગંધથી ધૂંધવાઈ ઉઠેલા રઘાજીએ આવતામાં એના બાવડા પર સિગારેટ ચાંપી દીધી, ઉપરથી ગાળોનો વરસાદ વરસાવ્યો એ જુદો.
    કોદર મુંગા મોંએ મરેલી બિલાડી કાઢીને, ફળિયાની સફાઈ કરીને દાણાય લીધા વગર જતો રહ્યો.

    પછી કોદર ના દેખાયો, તે ના જ દેખાયો, એની પત્નિ આવતી સાથે પંદર સોળ વરસની એક છોકરી લાવતી એ કોદરની બહેન હતી ફાટેલા કપડામાંથી એ છોકરીનું કાચું કાચું છોકરીપણું ડોકાતું ત્યારે લીમડા નીચે ખાટલામાં બેઠેલા રઘાજી એને તાકતા તાકતા બે ત્રણ સિગારેટ ફૂંકી નાખતા.

    આ વરસે નહેરમાં પાણી ના આવવાથી ઉનાળુ પાક લેવાયો નહીં. અને જેઠના પાછલા પંદરોમાં શરૂ થયેલો વરસાદ ઓરણી પછી ના આવ્યો. રઘાજીની વાતોમાંથી પણ લોકોને હવે રસ ઓછો થવા માંડયો. બધાને પેટની ચિંતા પેઠી, રઘાજી થોડા ચિડીયા બન્યા પત્નિ પર ગુસ્સો ઠાલવવાના બે ચાર પ્રસંગો બન્યા, ત્રાસીને પત્નિ પિયર જતી રહી આમ પણ રોજની નવી નવી લાગણીઓ-માંગણીઓ અને અડધી રાત લગી બીજે ત્રીજે ગામ ગપાટા મારવા જતા રઘાજીથી તે ત્રાસેલી. આ બધાથી કંટાળી રઘાજી ભઈબંધની ગાડી લઈને રખડવા નીકળી પડતા. એક વાર ચાલુ ગાડીએ સિગરેટ સળગાવવા જતી વખતે પાછળથી આવેલી ટ્રક અથડાતા પડયા ગામના શબ્દોમાં તો રઘાજીનું એકેય હાડકું બાકી નહીં રયું. પછી આવતાં જતાં સિવિલ દવાખાને ખબર કાઢનારાય ઘટવા માંડયાં. રઘાજીમાં લુલવાટ વધવા માંડયો. ઉભા પાણીએ જ ચડનારા રધાજી દવાખાનામાં ત્રાસવા લાગ્યા ઓપરેશનથી સાજા થતાં લોકો ખુબ ધીમેથી ઉભા થતાં, ચાલતા...અરે, સ્વાસ પણ ધીમેથી લેતા, વાતાવરણ ભારેખમ રહેતું કણસવાનો અને મદદનો અવાજ ક્યારેક પથરાતો. રઘાજીની નજર આગળ લોહીના છાંટા, થૂંક ભરેલી દિવાલો અને ટ્રે, ગંધાતા ગાદલાં-ગોદડાં, જાડા ચહેરાવાળી નર્સો, રૂદન, ચીસો વગેરે એમના સ્વાસમાં, કાનમાં અને આંખમાં ધરબાતું ને એ ધણધણી ઉઠતા સિગારેટ ક્યારેક જ મળતી. ખિસ્સામાં પણ વજન જોઈએ ને ! રોજ કાચા કે બળેલા રોટલા મળતા, ઓછા મસાલાવાળા ને પાણીવાળા દાળ, શાક મળતા, પૈડાવાળી મોટી ટ્રે માં આવતું. ને ખાટલે ખાટલે વહેચાતું મહામહેનતે પાણી સાથે ગળે ઉતરતું.

    ગામનો ચોરો, લીલા ખેતરો, નહેરની આસપાસની લીલોતરી, બકરા લઈને ચરાવવા આવતી કોદરની બહેન, માંગી આણેલા શર્ટમાં વધતા જતા સાંધા આ બધું યાદ આવતાં એ મૂંગા મૂંગા ચીખી ઉઠતા. તેમની વાતો સાંભળીને દંગ રહી જનારા હવે કોઈ ન હતા. હતા કણસતા દર્દીઓ, હા પેલી નર્સો અને ડૉક્ટરો તાજા હતા પણ સૂચનાઓ જ આપ્યા કરતા એ પણ ધમકી જેવી. સીધા ઊંઘો, પડખાં ફરશો નહીં આ હાથ આમ જ રાખો નહીંતર.... ને ચાલતા ચાલતા રવાના થતાં. બારીમાંથી આવતી હવા, આ શબ્દો રઘાજીના નિસ્વાસોમાં ભળી જતા. એક વિચિત્ર પણ ભારેખમ હવાની ગંધ જરા ઘુમરાતી, સ્થિર થતી અને વહી જતી.

    એક દિવસ ખાવાનું સમયસર ના આવ્યું રઘાજીને કકડીને ભૂખ લાગી હતી. ને રાત્રે સામેના પલંગ નંબર ૧૦ની પાટા નીચેની કાળી ચામડી જોઈને રઘાજીને ઉલ્ટી થઈ ગયેલી, એટલે પેટમાં બિલાડા જ બોલતા હતા.

    - આજે માણસો નવા છે એટલે વહેચાતા વાર લાગશે.
    કોઈએ આ સડેલી ભૂખી હવામાં કારણ ફેલાવ્યું.

    આખરે રોટલા વહેંચનારો રઘાજીના પલંગ સુધી આવ્યો. પહેલો જ પલંગ એમનો હતો. દરવાજાની પાસે જ રઘાજી વાસણોનો ખખડાટ સાંભળીને અડધા ઊંચા થઈ ગયા. સાજા હાથે દવાખાનામાંથી મળેલી થાળી લંબાવી. થાળીમાં રોટલા પડતા એમણે આભારવશ આાંખો ઊંચી કરી તો હાથમાંથી થાળી થરથરીને નીચે પડી ગઈ પાંગથ વગરના પલંગના ભાગે રોટલા હાલીને શાંત થઈ ગયા પેટ રોટલા તરફ ધસતું હતું તો નજર સાવ સ્થિર હતી.

    સામે કોદર ઊભો હતો.
    ભોજન વહેંચનારા કોન્ટ્રાક્ટરે આપેલા યુનિફોર્મમાં, ઈસ્ત્રીબંધ અને સજ્જ.

    બંનેની આંખોમાં શું હતું પરસ્પર કોઈ કળી શકતા નહોતા. કેટલાય દિવસથી અપરિચિત હવામાં ઘૂંધવાતા રઘાજીના મનમાં બે વિચારો અથડાતાં હતાં. પાંગથ બાજુ કોદરને બેસાડવો ? કે પાંગથ તરફ પડેલા રોટલા લઈ લેવા?

    અચાનક બેય સભાન થયા,
    પણ કોઈ બોલી ના શક્યા,
    વળી ચારેય હાથ રોટલા તરફ લંબાયા. આછો કંપ ચારેય હાથોમાં હતો.
    વળી નજરો મળી
    બેય હૃદયો મોજાની જેમ
    હાલકડૂલક.......... હાલકડૂલક.........
* * *


0 comments


Leave comment