31 - હજાર વાર વાઢોને... / અનિલ વાળા
હજાર વારે વાઢો ને તોય નવું ઊગે
એવાં વિશેષ કોઈ નાકનાં સોગંદ તને ચાહું છું.
ધીમો વરસાદ અને ઊની તે રોટલી
કડવાં કારેલાંના શાકનાં સોગંદ તને ચાહું છું...
મૂળિયામાંથીય હું કોક વાર ધ્રૂજું તો રાતી ચણોઠીને ફૂંકીને તાપું,
એકેય મશીન નથી એને તે માપવાનું, પ્રેમની ફ્રીકવન્સી કઈ રીતે માપું ?
ચાલીને આવ્યો છું ખૂબ દૂર દૂરથી
પિંડીઓ કળે છે એવા થાકનાં સોગંદ તને ચાહું છું...
હું કંઈ હનુમાન નથી, છાતી ચીરીને તને દેખાડું : સંઘર્યું છે ત્યાં તારું નામ,
તારું ગાંડાનું ગામ, એમાં નવો નક્કોર હું તો આવ્યોને થૈ ગ્યો બદનામ.
નાકને અડેલ સીધી આંગળી જેવી જ
ધોધમાર મળેલી કોઈ ધાકનાં સોગંદ તને ચાહું છું...
0 comments
Leave comment