34 - કેળાનું શાક તમે ખાધું છે ? / અનિલ વાળા
કેળાનું શાક તમે ખાધું છે ?
જે માણસને તમે ગણ્યો’તો ચોર, એ માણસ તો ખરું પૂછો સાધુ છે
કેળાનું શાક તમે ખાધું છે ?
આપણી ગણતરીઓ મીઠાનાં ગાંગડા
ને આપણાં હિસાબ વળી હરડેનાં ફૂલ,
આપણે તો ઝાકળના ટીપાંને વેચવાનાં
ગુજરી બજારમાં પાણીને મૂલ !
છાપામાં આવે છે સંતોનું પ્રકરણ તે લાગે છે હમણાંનું ટાઢું છે !
કેળાનું શાક તમે ખાધું છે ?
દરિયાઓ વાવવાના ધંધામાં સાંભળ્યું છે
ખોટમાં છે ખારવાની પેઢી,
રાજાને ઘી-કેળાં ખાવાનાં શોખ પણ
રેયત તો સાવ આજ રેઢી !
આ લોકશાહી એટલે લોકોની શાહી વડે ખેંચાયે જાય એવું ગાડું છે !
કેળાનું શાક તમે ખાધું છે ?
0 comments
Leave comment