36 - તને પંખી કહું તો... / અનિલ વાળા
તારી છાતીમાં દોમ દોમ પીંછાનો થાક,
તને પંખી કહું તો એમાં ખોટું છે શું ?
પંખી કહીને તને પીંજરે પૂરીશ નહીં
એટલે વિશ્વાસ સખી રાખજે;
મારીને ચાંચ મને તોડજે ને ફોડજે
ફળની જેવું જ મને ચાખજે !
તારી નજર્યું વિંઝાયાથી સાવે’ હું રાંક
તને પંખી કહું તો એમાં ખોટું છે શું ?
તારો એટલો બોલાશ મને ગમતો
કે તું જ મને ટહુકાથી પંપાળી જાણે;
સપ્તમનાં સૂર જેવો તારો અવસર
મારું રૂંવાડે રૂંવાડું માણે !
તારા કમખા પર છો ને તું મોતીડાં ટાંક
તને પંખી કહું તો એમાં ખોટું છે શું ?
0 comments
Leave comment