37 - સગપણનું ગીત.. / અનિલ વાળા
ડાળખી બનીને હું તો તારામાં ઝૂલું
ને તું ઝાડ થઈ મારામાં પાંગરે !
એવી ઘડીઓનો જો સરવાળો કરીએ
તો સગપણ જવાબ આવે આશરે !
તું ખોબો એક સ્મિત લઈ સાથિયા પૂરે છે
અને તેથી ગમે છે મને આંગણું...
એકબીજાં માગીએ તો અઢળક મૂડી
ને છતાં બાકી ના નીકળે કૈં માગણું...
પાળે બેસીને જાત જળમાં નિહાળીએ
ઈચ્છાના ઊંટ ભલે ગાંગરે...
મોંઘી મિરાત જેવી મુઠ્ઠી ખોલું તો
નામ નીકળે છે તારું હથેળીએ...
તને તો નામ ખાલી લાગે છે તારું
ને હું દુનિયાને ધારું હથેળીએ...
હું દરિયો નથી કે આમ ફાવે એ રીતે
તું મારામાં નાવ તારું લાંગરે !
0 comments
Leave comment