42 - રવરવતી ઈચ્છાનું ગીત / અનિલ વાળા


મારી રવરવતી ઈચ્છાઓ !
સાંભળજો હે, મિત્ર મહોદય ! મજેદાર કિસ્સાઓ...

દર્પણમાં એક ગલી, ગલીમાં ઘર, ઘરમાં રહેવા જાવું;
એ ઘરમાં છે બાથરૂમ અલમસ્ત, જેમાં ખૂબ ખૂબ ન્હાવું !

હવે કાચની વચ્ચે કણસે કૈં કૈં મુજ હિસ્સાઓ...

હું મારી પોતાની શોધ અને હું મારો છું અવરોધ;
વૃક્ષો પાસેથી મેં લીધો જીવન જીવ્યાનો બોધ !

પ્રેમ કરું તો હોય નહીં રે ખમીસને ખિસ્સાઓ...

ડુંગર પર એક દેરડી જ્યાં થતું હો ઈશ્વરનું આરાધન;
બધુંયે એકાકાર અંતમાં, શું સાધ્ય કે સાધન !

કૂણી લાગણી, ન્હોર-ઉઝરડાં-સપનાં સૌ લિસ્સાઓ...


0 comments


Leave comment