47 - મૂળસોતાં માણસનું ગીત / અનિલ વાળા
પૂરવ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધી દિશાએ ગોત્યો :
માણસ ક્યાંય મળ્યો મૂળસોતો ?
છે માળો અસ્થિનો જેમાં લોહી અમસ્તું વહેતું;
હૃદય ધબકતું ધક ધક તોયે કંઈ હવે ના કહેતું !
ઈશાન, અગ્નિ, નૈરૂત, વાયવ્યે બધા ખૂણાએ ગોત્યો,
માણસ ક્યાંય મળ્યો. મૂળસોતો ?
છે સૂક્કાભઠ્ઠ સપનાંઓ ને ચીમળાયેલી આંખો,
આશા એની ઠરડ-મરડ કે કદી ફૂટી ના પાંખો...
આજુ-બાજુ, આગળ-પાછળ બધે બધે ગોત્યો :
માણસ ક્યાંય મળ્યો મૂળસોતો ?
શ્વાસ ઘૂંટડા ટેવ મુજબનાં, ચાલવું એની આદત;
કોઈ નથી છોડાવી શકતું ખૂબ જીવ્યાની લત !
ઉપર-નીચે, અંદર-આઘે મામ મૂકીને ગોત્યો :
માણસ ક્યાંય મળ્યો મૂળસોતો ?
0 comments
Leave comment