49 - રક્ષાબંધન નિમિત્તે ‘ભાઈ’ બનાવી છોડી દેનાર કન્યાનું ગીત / અનિલ વાળા


તને આવતી જોઈ કદીક તો હવાય લાગે હસવા !
એથેન્સ નગર આખાંની ડગળી જાણે લાગે ચસકવા...

હોઠ તણા માળામાં તું તો શબ્દ ચકલીઓ પાળે;
ધોળે દાડે લીલાં તારી ધૂવડ બધાંયે ભાળે !

તારાંપણાંનું છેલછબીલું તને ન દેતું ટકવા....
નખશિખ નિરખી તને તો લાગી તું તો કેડચ મચકવા.....

તારાં શ્વાસોની ગરમીથી જીવ રાખ થઈ જાતો;
પંચમસૂર પોતે આવીને પછી મરશિયાં ગાતો.

તારાં પગલે પગલે જાણે થયો. રસ્તાને લકવા....
તું આવે છે નીજપણું લઈ ખીલી જેમ ખટકવા...

તારાં એક ઈશારે ભોળો ઈશ્વર પણ ભરમાતો,
મંદ હસીને, નયનો ઢાળી શોધ્યા કરતી તું તો નવલો નાતો.

સંબંધોનાં ભૂત અચાનક લાગ્યાં બક બક બકવા...
કોણ લાશ થૈ સળગ્યું. લાગ્યું શૂળીએ કોણ લટકવા ?


0 comments


Leave comment